ગુજરાતમાં ગુરુવારે ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 23 થઈ ગયો હતો., દેશમાં કુલ કેસની સંખ્યા 269 પર પહોંચી ગઈ હતી. આવામાં ફરી નિયંત્રણો લાગુ કરવામાં આવશે કે કેમ તેને લઈને અનેક ચર્ચાઓ અને અટકળો લગાવવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક બેઠક બોલાવી હતી.
ગુજરાતના કુલ 23 કેસમાંથી સૌથી વધારે 7 કેસ અમદાવાદમાં છે, જે પછી 3-3 કેસ મહેસાણા, વડોદરા, આણંદ અને જામનગરમાં છે. જે સિવાય સુરતમાં 2 કેસ અને ગાંધીનગર તથા રાજકોટમાં 1-1 ઓમિક્રોનના કેસ છે.ક તરફ ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ-2022નું આયોજન કરી રહી છે. 10થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે. અલબત્ત, વાયબ્રન્ટ સમિટ એવા સમયે થવા જઈ રહી છે જયારે ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયબ્રન્ટ સમિટમાં ભયસ્થાન એ છે કે માટાભાગના અતિથિઓ વિદેશથી આવવાના છે અને તેના કારણે સંક્રમણ વધવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
દેશમાં 17 રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 287 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 65, દિલ્હીમાં 57, તમિલનાડુમાં 34, કેરળ અને તેલંગાણામાં 24-24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 22, કર્ણાટકમાં 19, હરિયાણામાં 4, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં 3-3, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 2-2, ચંદિગઢ, લદ્દાખ અને ઉતરાખંડ 1-1 કેસ નોંધાયા છે.