નોર્થ વેસ્ટ લંડનના ડેન્હામના ધ લી – વેસ્ટર્ન એવન્યુ સ્થિત અનુપમ મિશન ખાતે સમગ્ર યુરોપના સૌ પ્રથમ પર્પઝબિલ્ટ હિન્દુ સ્મશાનગૃહ ઑમ ક્રિમેટોરિયમનું ભૂમિ પૂજન ગુરૂહરી સંત ભગવંત પ. પૂ. જશભાઇ સાહેબ અને સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતીમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચારો સાથે તા. 15-7-2022ના રોજ સંપન્ન થયું હતું. આ પ્રસંગે નોર્થ વેસ્ટ લંડનના એમપીઓ, હિન્દુ સમુદાયના સામાજીક – ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો ઑમ ક્રિમેટોરિયમની રચના માટે પ્લાનિંગ પરમિશન અને અપીલ પ્રોસેસમાં મદદ કરનાર આર્કીટેક્ટ અને બેરિસ્ટરનું સન્માન કરાયું હતું.
પૂ. જશભાઇ સાહેબે આ ક્રિમેટોરિયમની રચના માટે મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કરી પૂ. અશ્વિનભાઇને જન્મ દિનની શુભચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘’આજે ખૂબ જ આનંદનો દિવસ છે. દુનિયાના બધા ભગવાન પ્રજાનું ભલુ કરવા આવ્યા છે. પૂ. શાસ્ત્રીજી મહારાજે BAPSની સ્થાપના કરી હતી અને તેમણે જ યોગી બાપા, પૂ. પ્રમુખ સ્વામી, પૂ. મહંત સ્વામી સહિત કેટલાય સંતોની સંસ્થાને ભેટ આપી છે. લોર્ડ ડોલર પોપટે ખૂબ જ સાચા સમયે આ પ્રોજેક્ટ માટે ભલામણ કરી હતી. લોર્ડ ગઢીયા, ગરવી ગુજરાતના મેનજીંગ તંત્રી કલ્પેશ સોલંકી, એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષભાઇ સોલંકી, શ્રી પ્રદીપભાઇ ધામેચા, શ્રી રમેશભાઇ કણસાગરા, શ્રી નિલેશભાઇ તેમજ આ કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યકત કરૂ છું.’’
પૂ. સાહેબ દાદાએ જણાવ્યું હતું કે ‘’ પૂ. યોગીજી મહારાજ કહેતા કે પરસ્પર પ્રેમ પ્રગટાવવો તે ધર્મ છે. બધાને મદદરૂપ થવું જોઇએ. જો સૌ કોઇ એક થઇને કાર્ય કરે છે તો જરૂર સફળતા મળે. બધા એમપી પધાર્યા તેથી ઘણો આનંદ થયો. દાતાઓ તરફથી દાન મળી રહ્યા છે તે જોઇને અમારો ઉત્સાહ વધી ગયો છે અને આશા છે કે આગામી 12થી 18 માસમાં આ મહાન કાર્ય પૂર્ણ થશે.’’
અનુપમ મિશનના વરિષ્ઠ સંતો શ્રી મનોજભાઇ સોની અને શ્રી અશોક દાસજીએ શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાવતાં જણાવ્યું હતું કે ‘’આ ધરતી આપણી માતા છે અને અનાજ, ધાન્ય, ખનીજ, પાણીથી લઇને સર્વસ્વ આપે છે. જ્યારે આપણે ધરતી પર મકાન કે અન્ય બાંધકામ કરીએ છીએ ત્યારે તેના પર કરાતા ખોદકામ અને ભારે મશીનોને કારણે તેને પણ વ્યથા પહોંચે છે. આથી આજે આપણે આ ભૂમિ પૂજન દ્વારા પ્રાર્થનાઓ કરી ધરતી માતાની ક્રિમેટોરિયમના નિર્માણ માટે મંજૂરી અને આશિર્વાદ મેળવીએ છીએ.‘’
શ્રી મનોજભાઇએ ઉપસ્થિત સૌ કોઇ સમજી શકે તે માટે શ્લોકો સિવાય ઇંગ્લિશ ભાષામાં આપણા શાસ્ત્રોમાં જણાવેલા સોળ સંસ્કારો અંગે સવિસ્તર રસપ્રદ માહિતી આપી હતી અને છેલ્લા સંસ્કાર અંતિમ સંસ્કારનું મહત્વ જણાવી અનુપમ મિશન કઇ રીતે કેવા સંજોગોમાં ઑમ ક્રિમેટોરિયમની પ્લાનીંગ પરમિશન મેળવવામાં સફળ થયું તે અંગે માહિતી આપી હતી. માત્ર હિન્દુઓ જ નહિં શીખ, જૈન, બૌધ્ધ સમુદાયના લોકોની જરૂરિયાતોનો લક્ષમાં લઇને સવિશેષ સગવડો સાથે બનાવાયેલું આ પર્પઝબિલ્ટ ક્રિમેટોરિયમ અન્ય સમુદાયના લોકોને પણ સેવાઓ આપશે. તેમણે પૂજા શરૂ કરતા પહેલા પ. પૂ. સાહેબજી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. શાંતિ દાદાના અશિર્વાદ મેળવ્યા હતા.
શ્રી મનોજભાઇએ જણાવ્યું હતું કે ‘’હિન્દુઓ માને છે કે મૃત્યુ તો આ નશ્વર દેહનું થાય છે જ્યારે આત્મા તો અમર છે. નશ્વર દેહ સુયોગ્ય અને શાસ્ત્રોક્ત રીતે પંચ મહાભૂતમાં મળે તે જરૂરી છે. જ્યારે આત્મા તેની યાત્રા ચાલુ રાખે છે અને ભગવાન જે યોનીમાં જન્મ લેવાનું કહે ત્યાં તે આત્મા જન્મ લે છે.’’
આ પ્રસંગે ડેન્હામ મંદિરના મહંત અને અગ્રણી હિંમત સ્વામીએ શ્રીફળ વધેર્યું હતું. ધામેચા કેશ એન્ડ કેરીના પ્રદિપભાઇ ધામેચા, કંતેશભાઇ પોપટ, સંત શ્રી અશ્વિનભાઇ, સંસ્થાના ટ્રસ્ટી સતીષભાઇ ચતવાણી, સંજયભાઇ જગતીયા, હિતેશભાઇ ભારખડા, ગેરાલ્ડ સ્વીની, દિનેશભાઈ ધામીજા, ડૉ. જીતુભાઈ પટેલ, મિતેશભાઇ વેકરીયા અને પ્રગ્નેશભાઇ પટેલ સહિત કુલ 11 અગ્રણીઓએ ભૂમિ પૂજન વિધિમાં ભાગ લીધો હતો. ગૌતમ દાસજી, નિલેશ દાસજી અને અન્ય સંતોએ ત્રિકમને તિલક કરી પૂજા કરી હતી. પ. પૂ. સાહેબજી, પૂ. શાંતિદાદા, પૂ. અશ્વિન દાદા, પૂ. સતીશભાઇ ચતવાણી, પ્રદિપભાઇ ધામેચા તેમજ ઉપસ્થિત સર્વે અગ્રણીઓએ ત્રિકમ વડે ખાડા ખોદી ભૂમિ પૂજન કર્યું હતું અને સૌએ પુષ્પ વર્ષા કરી હતી.
ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ પ્લાનિંગ પરમિશન મેળવવા માટેની જટીલ કામગીરીમાં મદદરૂપ થયેલા સૌનો આભાર માનવા અને માહિતી આપવા એક કાર્યક્રમનું આયોજન મંદિરમાં કરવામાં આવ્યું હતું.
સૌને સંબોધન કરતાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી સતીષભાઇ ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’ભગવાન સ્વામિનારાયણ અને પૂ. ગુણાતિતાનંદ સ્વામી મહારાજના અશિર્વાદ અને પ્રેરણાના કારણે આ પૂજન થઇ શક્યું છે. આજે સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. અશ્વિનભાઇનો જન્મ દિવસ હોવાથી તેમની તેમની સેવાઓને અનુમો દન આપવા અને તેની ઉજવણી કરવા ભૂમિપૂજન માટે આજનો દિવસ પસંદ કરાયો હતો. પૂ. સાહેબે જ પૂ. અશ્વિનભાઇને તા. 21 મેના રોજ સંસ્થાનું સુકાન સોંપ્યું હતું.’’
શ્રી સતીષભાઇએ જણાવ્યું હતું કે ‘’ઓમ ક્રિમેટોરિયમનો આઇડીયા લોર્ડ ડોલર પોપટનો હતો તેમણે જ પૂ. સાહેબજીને એક મુલાકાત દરમિયાન આ માટે સૂચન કર્યું હતું. પૂ. સાહેબજીએ તેના માટે મંજૂરી આપતા કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. લોર્ડ ગઢીયાએ પણ ક્રિમોટોરિયમના સ્થાપના માટેની અપીલમાં જુબાની આપી સંસ્થાને ખૂબ જ મદદ કરી હતી.’’
શ્રી ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’મંદિર દ્વારા કરાયેલી ક્રિમેટોરિયમની અરજીને પહેલા જ ધડાકે કાઉન્સિલના નવેય કમીટી મેમ્બરે નકારી કાઢી હતી. તેની અપીલ કરવાનો નિર્ણય ખર્ચાળ અને જોખમી હોવા છતાં અપીલમાં જીતની સફળતા 50 ટકા હોવાના અભિપ્રાય બાદ પણ પૂ. સાહેબજીએ 100 ટકા જીત અપણી જ થશે તેવા અશાવાદ સાથે અપીલ કરવા કહ્યું હતું. આ માટે 30-35 જેટલા પ્રોફેશનલનો સંપર્ક કરાયો હતો. બધા લોયર્સ અને ટીમ મેમ્બર્સે ખૂબ જ જહેમત ઉઠાવી હતી જેને સફળતા સાંપડી હતી.’’
આ પ્રસંગે અપીલમાં જીત માટે જવાબદાર પ્લનિંગ કન્સલ્ટન્ટ જેરાર્ડ સ્વીંગી અને બેરિસ્ટર પીટર ગોટ્રી QCનું તેમણે આપેલી સેવાઓ બદલ શૈલ ઓઢાડી ભગવાન નિલકંઠવર્ણીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરાયું હતું. આજ રીતે ઉપસ્થિત એમપીઓ સર્વ શ્રી વિરેન્દ્ર શર્મા, ગેરેથ થોમસ, નવેન્દુ મિશ્રા, બેરી ગાર્ડીનર, લંડનના ડાપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, હેરો કાઉન્સિલના નેતા પીટર મેસનનું બહુમાન કરાયું હતું. શ્રી યોગેશ નકારજાએ પ્રાસંગીક પ્રવચન કરી કઇ રીતે અનુપમ મિશન સાકાર થયું તે જણાવ્યું હતું.
ગ્રીનબેલ્ટમાં ક્રિમેટોરિયમના નિર્માણ માટેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાવિષાબેન પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો. એજ રીતે આ શુભ કાર્ય માટે ટેકો આપનાર વિવધ મંદિરો અને પીટીશનમાં સહી કરનાર 2,000 લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો.
પૂ. સાહેબ દાદાએ તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોને માન આપ્યા છે અને આ ઑમ ક્રિમેટોરિયમ માટે સમાજના લોકોના અભિપ્રાય જાણવા માટે તા. 30-07-2022ના રોજ સવારે 10 કલાકે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
શ્રી ચતવાણીએ લોર્ડ ડોલર પોપટ ગુરૂ પૂર્ણિમા પ્રસંગે ભારત ગયા હોવાથી તેમણે મોકલાવેલો સંદેશો તેમજ લોર્ડ ગઢીયા ઉપસ્થિત ન હોવાથી તેમનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો.
કાર્યક્રમના અંતે ભાવિષાબેને સૌનો આભાર માન્યો હતો અને સૌ પ્રસાદ લઇ છૂટા પડ્યા હતા.
ભૂમિપૂજન વિધિમાં જોડાયેલા અગ્રણીઓ
- પ. પૂ. અશ્વિનદાદા
- સતિષભાઈ ચતવાણી
- હિતેશભાઇ ભારખડા
- પ્રદિપભાઈ ધામેચા
- સંજયભાઈ જગતિયા
- ગેરાલ્ડ સ્વીની
- દિનેશભાઈ ધામીજા
- ડૉ. જીતુભાઈ પટેલ
- કંતેશભાઇ પોપટ
- મિતેશભાઇ વેકરીયા
- પ્રગ્નેશભાઇ પટેલ
સમારોહના મુખ્ય મહેમાનો
- બેરી ગાર્ડિનર, એમપી
- વીરેન્દ્ર શર્મા, એમપી
- ગેરેથ થોમસ,
- નવેન્દુ મિશ્રા એમપી
- પીટર મેસન, ઈલિંગ કાઉન્સિલના નેતા
- રાજેશ અગ્રવાલ, લંડનના ડેપ્યુટી મેયર
- કાઉન્સિલર અમીત જોગિયા
- ડૉ. ઓંકાર સહોટા, લંડન એસેમ્બલીના અધ્યક્ષ
- ક્રુપેશ હિરાણી, લંડન એસેમ્બલીના સભ્ય
- કાઉન્સિલર કૃષ્ણા સુરેશ
- કાઉન્સિલર શશિકલા સુરેશ
- QC પીટર ગોટલી
- પ્લાનિંગ કન્સલ્ટન્ટ, ગેરાલ્ડ સ્વીની
- રાજેશજી પરમાર, ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર
- સુભાષ ઠકરાર
- ભરતભાઇ સોઢા