જાપાનમાં ટોકિયો ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયુ છે ત્યારે 2032ની ઓલિમ્પિક રમતો ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રમાશે, તેવી ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી.
બ્રિસબેનને યજમાની મળશે તેવું પહેલેથી જ મનાતું હતું, પણ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 1956માં મેલબોર્ન અને 2000માં સિડનીમાં ઓલિમ્પિકનુ આયોજન કરી ચુકયું છે.
ઓલિમ્પિક માટે શહેરોની પસંદગી બહુ પહેલાથી થઈ જતી હોય છે. જેમ કે 2024ની ઓલિમ્પિક પેરિસ અને 2028ની ઓલિમ્પિક લોસ એન્જેલિસમાં રમાવાની છે. હવે ઓલિમ્પિક કમિટી દ્વારા યજમાની માટે નવી બિડિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે. જેમાં પહેલું વિજેતા ઓસ્ટ્રેલિયા બન્યું છે. આ સિસ્ટમમાં ઓલિમ્પિક કમિટી કેટલાક મજબૂત દેશોને યજમાની માટે પસંદ કરે છે અને એ પછી વોટિંગ થકી યજમાન દેશની પસંદગી કરાય છે.