5 મિલિયનના ખર્ચે ઓલ્ડહામમાં કોપ્સ્ટરહિલ રોડ પર આવેલા હાઉસીંગ એસોસિએશનના ડેપોની સાઇટ પર શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણની શરૂઆત થઈ છે અને તે આગામી બે વર્ષમાં પૂર્ણ થશે. આ અઠવાડિયે યોજાયેલા ભૂમિપૂજન સમારોહમાં મંદિરના સંતો, વરિષ્ઠ નેતાઓ, સમુદાયના સભ્યો અને કોન્ટ્રાક્ટર્સ સહિત 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે આ મંદિરમાં કુદરતી રીતે પ્રકાશીત પ્રાર્થના હૉલ, રમતગમતની જગ્યા, કાર્યક્રમો અને અધ્યાપન માટેના રૂમ્સ, બગીચો, પાર્કિંગ અને રહેવાની જગ્યાનો સમાવેશ કરાશે. આરસનો દરવાજો અને પરંપરાગત હિન્દુ મંદિરના ઘુમ્મટને ભારતમાં હાથથી કોતરવામાં આવશે અને અહિં આયાત કરી સ્થાપિત કરવામાં આવશે.
આ મંદિર માટે સ્થાનિક અને વિદેશી દાતાઓ તેમજ સ્થાનિક સમુદાયના લોકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યુ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, હાલમાં લી સ્ટ્રીટ પર આવેલું છે જે 1977માં ખુલ્યું હતું. સમુદાય ઘણા વર્ષોથી નવી અને આધુનિક સુવિધા માંગતો હતો. નવા ડેવલપમેન્ટ માટેની યોજનાની મંજૂરી જૂન 2019 માં આપવામાં આવી હતી.
મંદિર વતી સુરેશ ગોરાસીયાએ કહ્યું હતું કે “મંદિર આપણા સમુદાયના કેન્દ્રમાં છે. ઘણા લોકો માટે, તે તેમના ઘરનું એક વિસ્તરણ છે, પૂજા, સંસ્કૃતિ, સમાજીકરણ અને મનોરંજનનું સ્થળ છે. અમારી પ્રાધાન્યતા એક નવું મંદિર બનાવવાની છે જે પરંપરાગત હિન્દુ મંદિર હશે અને આધુનિક સુવિધાઓ સાથે સમકાલીન ડિઝાઇનને સંમિશ્રિત કરશે અને તે એક સીમાચિહ્ન બિલ્ડિંગ બની જશે.”
સેલ્ફર્ડ ક્વેઝ સ્થિત રિકોમ સોલ્યુશન્સ તેના મુખ્ય કોન્ટ્રાક્ટર છે અને આ યોજના સાથે સંકળાયેલા અન્ય વ્યાવસાયિકોમાં એલટીએસ આર્કિટેક્ટ્સ, કર્ટિન્સ અને હર્સ્ટવુડ એન્વાયર્નમેન્ટલ કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે.