ઓલ્ડહામમાં એક જ અઠવાડિયામાં કોરોનાવાયરસનો દર ચાર ગણો વધી જતાં લોકોને કહેવામાં આવ્યું છે કે તેમના ઘરે મુલાકાતીઓને આમંત્રિત ન કરો. કોવિડ-19ના વ્યાપને રોકવા માટે પોતાની જાતને આઇસોલેટ કરી રાખનાર વૃધ્ધો અને નબળુ આરોગ્ય ધરાવતા લોકોને આ શુક્રવારથી બીજા 15 દિવસ સુધી આઇસોલેશન ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું છે.
સ્થાનિક ઓથોરિટીએ એમ પણ કહ્યું હતું કે આ વિસ્તારના કેર હોમ્સની મુલાકાત લેવા પરનો પ્રતિબંધ હટાવશે નહીં. ઓલ્ડહામમાં જુલાઈ 25 સુધીના સાત દિવસમાં 119 કેસો નોંધાયા છે, જે અગાઉના અઠવાડિયા કરતા 26 જેટલા વધારે છે. એટલે કે પોઝીટીવ ટેસ્ટની સંખ્યા દર 100,000 લોકો દીઠ 50.2ની છે, જે લેસ્ટર અને બ્લેકબર્ન પછી દેશમાં ત્રીજા નંબરે સૌથી વધુ માનવામાં આવે છે.
ઓલ્ડહામ કાઉન્સિલના નાયબ નેતા સુશ્રી આરૂજ શાહે જણાવ્યું હતું કે ‘’લેસ્ટરમાં જોવા મળ્યા તેવા “સખ્ત સ્થાનિક લોકડાઉન અટકાવવા” માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શક્ય તેટલો અન્ય લોકો સાથેના સંપર્કને મર્યાદિત કરવો પડશે અને ઘરેથી કામ કરો યા તો તમે જ્યાં હો ત્યાં જ રહો. ઓલ્ડહામના લોકો ગરીબી અને વંચિત હોવાના કારણે, વધુ જોખમ ધરાવતુ કામ કરતા હોવાથી અને મોટા ઘરોમાં સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી વધુ સંવેદનશીલ લાગે છે.”
20-40 વય જૂથના લોકોમાં પોઝીટીવ ટેસ્ટ વધ્યા છે. પાછલા સાત દિવસોમાં નવા 65 ટકા કેસ ફક્ત પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયોમાં બન્યા છે.
ઓલ્ડહામ કાઉન્સિલના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર કેટરિના સ્ટીફને જણાવ્યું હતું કે ‘’ડાર્વેન – બ્લેકબર્નમાં બન્યું હતું તેમ ઘરોમાં ક્લસ્ટર જોયા છે. એક ઘરના લોકોનો ચેપ બીજા ઘરના તમામ લોકોને લાગતો હોવાથી અમે લોકોને બીજાના ઘરોની મુલાકાત ન લેવા અથવા ઘરે સામાજિક મેળાપ ન કરવા માટે કહીએ છીએ. લોકોએ સ્થાનિક લોકડાઉનને ટાળવા માટે વધારાની સાવચેતી જરૂરી છે.”
ઓલ્ડહામ ઇસ્ટ અને સેડલવર્થના લેબર સાંસદ ડેબી અબ્રાહમ્સે ટાઇમ્સને જણાવ્યું હતું કે ‘’આ આંકડા ચિંતાજનક છે અને આશા છે કે સ્થાનિક લોકડાઉન ટાળી શકાશે.’’ અબ્રાહમ્સે અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થતા ડેટાની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. અમે યોગ્ય પ્રતિસાદ આપઈ શકીએ તે માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટા હોવા જોઈએ.’’