ભારતનાં પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 2021 માટેના 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો.
પ્રેસિડેન્ટ મુર્મુએ વહીદા રહેમાનને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, તેઓ પોતાની કળા અને વ્યક્તિત્વ સાથે ફિલ્મ ઉદ્યોગનાં શિખર પર સ્થાપિત થયા છે. અંગત જીવનમાં પણ તેમણે એક પ્રતિષ્ઠિત, આત્મવિશ્વાસ અને મૌલિકતા ધરાવતી મહિલા તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
તેમણે ઘણી એવી ફિલ્મો પસંદ કરી હતી જેમાં તેમની ભૂમિકાઓએ સામાન્ય રીતે મહિલાઓ સાથે સંકળાયેલા ઘણા અવરોધોને તોડી નાખ્યા હતા. આ ઉપરાંત નવી પેઢીની અભિનેત્રીઓ આલિયા ભટ્ટ (ગંગુબાઇ કાઠિયાવાડી) અને ક્રિતી સેનનને (મિમિ) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો સંયુક્ત એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે પલ્લવી જોશીને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અને શ્રેયા ઘોષાલને શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ મળ્યો હતો.