રશીયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુક્રેનમાં સૂર્યમુખી તેલના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતા ટેસ્કોએ પણ રસોઇના તેલનુ રેશનીંગ કરી ગ્રાહક દીઠ માત્ર ત્રણ બોટલ રસોઈનું તેલ આપવાની જાહેરાત કરી છે. મોરિસન્સ અને વેઇટરોઝે પહેલેથી જ વ્યક્તિ દીઠ બે બોટલની ખરીદી મર્યાદિત કરી છે. યુક્રેનથી તેલ આવી ન શકતા યુકેમાં લોકોને મજબૂરીથી બીજા તેલ તરફ વળવું પડ્યું છે. તો તેલની કિંમત એક વર્ષ પહેલાની સરખામણીએ આશરે 20 ટકા વધુ થઇ છે.
સૂર્યમુખીનું તેલ વાપરતી કંપનીઓ પણ વનસ્પતિ તેલ અને રેપસીડ ઓઇલ સહિત અન્ય સ્ત્રોતો શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેલની વધતી કિંમત અને અભાવને કારણે ક્રિસ્પ્સ અને ચિપ્સ સહિતની વસ્તુઓની કિંમતમાં વધુ વધારો થયો છે. જીવનનિર્વાહની કિંમતમાં પણ ઉમેરો થયો છે. સૂર્યમુખી તેલનો ઉપયોગ રેડી મીલ, બિસ્કિટ અને મેયોનીઝના ઉત્પાદનમાં થાય છે. સેઇન્સબરી અને આસ્ડાએ હજુ સુધી રેશનીંગ મર્યાદા લાદી નથી. જો કે સુપરમાર્કેટની શેલ્ફ પરથી મોટેભાગે સૂર્યમુખીનું તેલ અદ્રશ્ય થઇ ગયું છે.
ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીએ જણાવ્યું છે કે સપ્લાયર્સ રેપસીડ તેલનો ઉપયોગ કરી શકે છે પરંતુ તેમણે ગ્રાહકોને તેલમાં બદલાવ વિષે અને તેને કારણે ટેસ્ટમાં આવતા ફેરફાર અને એલર્જી વિષે જણાવવું પડશે. દુકાનદારોએ રેસીપીના કોઈપણ ફેરફાર અંગે પેકેટો અને શેલ્ફ પર સ્ટીકરો લગાવવા પડશે.
તેલ આયાતકાર KTC એડિબલ્સના ઓઇલ એન્ડ ફેટના વડા ગેરી લેવિસે જણાવ્યું હતું કે ‘’વનસ્પતિ તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ યુક્રેન પર રશિયન આક્રમણ, કોરોનાવાઇરસ, ક્લાઇમેટ ક્રાઇસીસ અને બાયોફ્યુઅલની સ્પર્ધાત્મક માંગને કારણે પણ કિંમતોમાં વધારો થયો છે.’’
ક્રિપ્સ બનાવતી બ્રિટીશ સ્નેક કંપનીના સ્થાપક ટોમ લોકે જણાવ્યું હતું કે ‘’સૂર્યમુખી તેલ નાસ્તા – ફરસાણ બનાવવા માટે વપરાતું તેલ છે પરંતુ અમારે હવે રેપસીડ તેલ વાપરવું પડે છે અને એક વર્ષ પહેલાના સૂર્યમુખી તેલ કરતાં ત્રણ ગણી વધારે ચૂકવણી કરવી પડે છે.’’
આ બધા છતાં તમામ સુપરમાર્કેટ અને દુકાનોમાંથી સૂર્યમુખી તેલની 5 અને 3 લીટરની બોટલ્સ અદ્રશ્ય થઇ ગઇ છે. સાઉથ એશિયન્સ લોકોએ હરહંમેશની જેમ સૂર્યમુખી તેલનો સંગ્રહ કરી લીધો છે.