યુએસ પ્રમુખ જો બાઇડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂન, 2023 ના રોજ, વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે સત્તાવાર ત્રિભોજન દરમિયાન REUTERS/Elizabeth Frantz

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટેટ વિઝિટ દરમિયાન ગુરુવારે રાતે સ્ટેટ ડિનરમાં પીએમ મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેને કરેલા સંબોધને બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતા. આ સ્ટેટ ડિનરમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આનંદ મહિન્દ્રા તથા અમેરિકન કંપનીઓના ઈન્ડિયન અમેરિકન સીઈઓ સુંદર પિચાઈ, સત્યા નડેલા સહિત ૪૦૦થી વધુ સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદી અને બાઈડેને વ્હાઈટ હાઉસમાં યોજાયેલા સ્ટેટ ડિનરમાં આમંત્રિત મહેમાનો સાથે કેટલીક હળવાશપૂર્ણ ક્ષણો માણી હતી. મોદીએ અમેરિકનો વચ્ચે ભારતીયોની લોકપ્રિયતાની વાત સ્વીકારી તો બાઈડેને પણ સંયુક્ત સંસ્કૃતિને ટાંકતા કહ્યું હતું કે, બંને દેશોના સંબંધો આજથી નહીં અમેરિકાની શરૂઆતથી છે.

મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૪માં મારા માટે યોજાયેલા ડિનર સમયે હું ભોજન લઈ શક્યો નહોતો, કારણ કે મારા નવરાત્રિના ઉપવાસ હતા, ત્યારે તત્કાલીન વાઈસ પ્રેસિડેન્ટ બાઈડેન મને વારંવાર પૂછી રહ્યા હતા કે શું તમે ખરેખર કશું જ નહીં ખાઓ? આ અંગે તેઓ ખૂબ જ પરેશાન પણ હતા. મને લાગે છે કે તેમની તે સમયે મને પ્રેમથી ભોજન કરાવવાની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ છે.

આ સ્ટેટ ડિનરમાં ૪૦૦થી વધુ સેલિબ્રિટીઝને આમંત્રણ અપાયું હતું, જેમાં મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એપલના સીઈઓ ટીમ કૂક, ઈન્દ્રા નૂયી સહિત અનેક દિગ્ગજ અને અબજોપતિ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ભારત સરકારના પ્રતિનિધિઓ તરીકે સુબ્રમણ્યમ જયશંકર, એનએસએ અજિત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ ભાગ લીધો હતો. અમેરિકન સરકાર તરફથી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકેન, અમેરિકન સંસદના નીચલા ગૃહના સ્પીકર નેન્સી પેલોસી તથા ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી પણ જોડાયા હતા. આ સિવાય ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ, ઝિરોધાના સહ-સંસ્થાપક નિખિલ કામત અને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રાલ્ફ લોરેન પણ સ્ટેટ ડિનરમાં સામેલ હતા.

LEAVE A REPLY