દિવાળીએ ન્યૂયોર્ક સિટીમાં સ્કૂલોમાં જાહેર રજા રહેશે, એવી મેયર એરિક એડમ્સે સોમવારે સત્તાવાર જાહેરાત કરી હતી. એડમ્સે સિટી હોલ ખાતે આ જાહેરાત કરી હતી. તે સ્ટેટ ઓફિસમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ અમેરિકન જેનિફર રાજકુમાર ઉપસ્થિત હતાં.
મેયર એડમ્સે જણાવ્યું હતું કે તેમને ગર્વ છે કે રાજ્યની સંસદ અને રાજ્યની સિનેટે ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલમાં દિવાળી પર જાહેર રજા સંબંધિત બિલને મંજૂરી આપી છે. અમને વિશ્વાસ છે કે ગવર્નર આ બિલ પર હસ્તાક્ષર કરશે અને પછી કાયદાનું રુપ આપશે. આ એક જીત છે. આ જીત માત્ર ભારતીય સમુદાય અને દિવાળી મનાવતા લોકોની નહીં પણ સમગ્ર ન્યૂયોર્ક શહેરની છે.
આ વર્ષથી ન્યૂયોર્ક શહેરની પબ્લિક સ્કૂલમાં દિવાળીની રજા રહેશે. ન્યૂયોર્કની પ્રિતિનિધિ સભાના સભ્ય જેનિફર રાજકુમારે કહ્યું કે, બે દાયકાથી પણ લાંબા સમયથી દક્ષિણ એશિયાઈ અને ભારતીય કેરેબિયાઈ સમુદાયે આ ક્ષણ માટે સંઘર્ષ કર્યો છે. આજે મેયર અને મને આખી દુનિયા સામે ઊભા રહીને આ વાત કહેતા ગર્વ થાય છે કે, હવેથી દિવાળી પર ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં રજા રહેશે. જેનિફરે કહ્યું કે, દિવાળીની રજાને કાયદામાં સામેલ કરવી જોઈએ. સમુદાય અને પ્રવાસી નેતાઓની સાથે સાથે શહેરના અધિકારીઓ અને સાંસદો વચ્ચે એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક શહેર સતત બદલાઈ રહ્યું છે અને વિશ્વના સમુદાયોનું સ્વાગત કરી રહ્યું છે.