બ્રિટનની સૌથી મોટી શહેરી અર્થવ્યવસ્થાને ભાંગી પડતી બચાવવા માટે સરકાર દ્વારા વધુ કર્મચારીઓને સીટી સેન્ટર અને ઓફિસોમાં કામે પરત ફરવા વિનવણીઓ કરી રહી છે. પરંતુ તેમ છતાં છેલ્લા બે મહિનામાં ઑફિસોમાં કામ પર પાછા ફરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સેન્ટર ફોર સિટીઝ થિંકટેન્ક દ્વારા મોબાઇલ ફોનના ટ્રેકિંગ ડેટાનું વિશ્લેષણ કરાતા જણાયું હતું કે યુકેના સૌથી મોટા 63 જેટલા શહેરો અને સીટી સેન્ટર્સમાં કર્મચારીઓનો ફુટફૉલ જૂનના અંતમાં 17 ટકા હતો અને તેટલો જ ફૂટફૉલ ઓગસ્ટ મહિનામાં રહ્યો હતો. ઓક્સફર્ડ, લીડ્સ અને લંડનમાં કર્મચારીઓ હજૂ ઓફિસોમાં ગયા નથી. મેન્સફિલ્ડ, બેસિલ્ડન અને ન્યુપોર્ટ જેવા શહેરોમાં ઓફિસે જતા કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો હતો પરંતુ તે હજી પણ સામાન્ય કરતાં અડધો જ છે.
જુલાઈમાં બોરિસ જ્હોન્સને કંપનીઓને વિનંતી કરી હતી કે ઓગસ્ટની શરૂઆતથી સ્ટાફને ઑફિસમાં પરત લાવે જેથી રેકોર્ડરૂપ ઘેરી મંદીથી બ્રિટીશ અર્થતંત્રને ફરી શરૂ કરવામાં મદદ મળે. પરંતુ બ્રિટનની ઘણી મોટી કંપનીઓએ આ અરજીને નકારી કાઢી છે.
લોકડાઉન પછી યુકેના 39% જેટલા કર્મચારીઓ ઘરે રહીને કામ કરે છે. આઇટી અને પ્રોફેશનલ સેક્ટરના 75 ટકા, હેલ્થ એન્ડ સોશ્યલ કેર ક્ષેત્રના 14% અને બાંધકામ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રના 20 ટકા લોકો ઘરે રહીને કામ કરે છે. બેંક ઑફ ઇંગ્લેન્ડના સૌથી વરિષ્ઠ અધિકારી, એલેક્સ બ્રેઝિયરે જણાવ્યું હતું કે કોવિડ માર્ગદર્શિકાનું પાલન શહેરના ગીચ વિસ્તારની ઑફિસમાં કરવું અશક્ય છે.
શાળાઓ ફરી ખુલી છે અને કેટલીક કંપનીઓ સ્ટાફને પાછો લાવે છે. સરકાર સિવિલ સર્વન્ટ્સને પણ ઑફિસોમાં પરત આવવા દબાણ કરી રહી છે તથા 90% જેટલી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. યુએસ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ રોટા સિસ્ટમ પર તેના 38,000 વૈશ્વિક સ્ટાફને પાર્ટ-ટાઇમ પરત લાવનાર છે.