ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેન વચ્ચે શુક્રવારની સાંજે (2 જૂન) એ થયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 278 લોકોના મોત થયાં હતાં અને આશરે 1,000 લોકો ઘાયલ થયાં હતાં. ભારતના 30 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ભયાનક રેલવે અકસ્માત હતો અને આશરે 20 કલાક સુધી રાહત અને બચાવ કામગીરી ચાલી હતી. ભારતની ત્રીજા ક્રમની આ સૌથી મોટી રેલવે દુર્ઘટના અંગે વિશ્વભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ દુર્ઘટનામાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી સંકળાયેલી હતી. શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ 100 કિ. મી.થી વધુની સ્પીડે દોડી રહી હતી ત્યારે લૂપ લાઈન ઉપર ઉભેલી માલગાડી સાથે પાછળથી અથડાઈ હતી. એના પગલે તેના અનેક ડબા ખડી પડ્યા હતા અને તે બાજુની લાઈન ઉપરથી પસાર થઈ રહેલી હાવડા જતી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના કેટલાક ડબા સાથે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પાસે અથડાયા હતા. આ અકસ્માત પછી આ રૂટ પરની તમામ ટ્રેનો બંધ કરી દેવાઈ હતી.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવેએ ભાંગફોડનો સંકેત આપીને સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી.રેલ્વેએ ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામી નકારી કાઢી હતી. ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ સંભવિત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ જવાબદાર ગણવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનોએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતાં. વડાપ્રધાને પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂ.૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦ની સહાય જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને છોડાશે નહીં અને કડકમાં કડક સજા અપાશે. આ ખૂબ જ પીડાદાયક અને હૃદય વિચલિત કરી નાંખતી ઘટના છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માતના સ્થળે બચાવ અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સહિત ૧,૨૦૦ લોકો, ૨૦૦ એમ્બ્યુલન્સ, ૫૦ બસો અને ૪૫ મોબાઈલ હેલ્થ યુનિટ્સ કામે લગાવાયા હતા. પ્રવાસીઓને અકસ્માત સ્થળેથી બહાર કાઢવા બે એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કામે લગાવાયા હતા.
રેલવે અધિકારીઓએ સંકેત આપ્યાં હતા કે સંભવિત “તોડફોડ” અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડથી આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ ઇલેક્ટ્રિક પોઇન્ટ મશીન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે સંબંધિત હતું. પોઈન્ટ મશીનનું સેટિંગ બદલવામાં આવ્યું હતું. તે કેવી રીતે અને શા માટે કરવામાં આવ્યું તે તપાસ રીપોર્ટમાં બહાર આવશે.
રેલવે પ્રધાનના રાજીનામાની વિપક્ષની માગણીઃ ઓડિશા રેલ દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસે રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પવન ખેરાએ આક્ષેપ કર્યો હતો કે તે સંપૂર્ણ બેદરકારી, સીસ્ટમમાં ગંભીર ક્ષતિઓ, અસમર્થતાને કારણે માનવસર્જિત આપત્તિ છે. મોદીએ પણ જવાબદારી સ્વીકારવી જોઇએ. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વૈષ્ણવનું રાજીનામું માંગ્યું હતું. ટીએમસી, સીપીઆઈ અને આરજેડીએ પણ રેલ પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મૃત્યુઆંક પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ બાલાસોર દુર્ઘટનાના નામે રાજકારણ બંધ કરો કારણ કે યુપીએ હેઠળના રેલ્વે પ્રધાનઓનો ટ્રેક રેકોર્ડ આપત્તિથી ઓછો નહોતો.