વિદેશમાં ફસાયેલા OCI કાર્ડધારકોને ભારત જવાની મંજૂરી

0
709

ભારત સરકારે વિદેશમાં ફસાયેલા કેટલીક પસંદગીની શ્રેણીના ભારતના OCI કાર્ડધારકોને સ્વદેશ પરત જવાની મંજૂરી શુક્રવારે (22 મે) આપી છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ જેમને આ મંજૂરી મળી છે તે મુજબ જે પરિવારમાં મૃત્યુ જેવી કોઇ સંકટની સ્થિતિના કારણે ભારત જવા ઇચ્છતા હોય તેમનો પણ સમાવેશ છે. ભારતીય નાગરિકોના વિદેશમાં જન્મેલા OCI કાર્ડધારક માઇનોર બાળકોને વતનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત એવા દંપત્તીને પણ મંજૂરી આપી છે જેમાં કોઇ એકપાસે આ કાર્ડ છે અને બીજા ભારતીય નાગરિક છે અને તેમનું ભારતમાં કાયમી ઘર છે. સાથે જ યુનિવર્સિટીના એ OCI કાર્ડધારક વિદ્યાર્થીઓ (જે કાયદા મુજબ માઇનોર નથી) ને પણ મંજૂરી આપવામાં આવી છે કે જેમના માતા-પિતા ભારતીય નાગરિક છે અને તેઓ ભારતમાં રહે છે.

મંત્રાલયે તેના નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા OCI કાર્ડધારકોને પરત લાવવા માટે મુકવામાં આવેલા વિમાન, જહાજ, ટ્રેન અથવા અન્ય કોઇપણ પ્રકારના વાહનમાં મુસાફરી કરવાનો પ્રતિબંધ લાગુ નહીં થાય.

આ અગાઉ સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે કાર્યવાહી શરૂ કરીને સાત મે ના રોજ જણાવ્યું હતું કે, તેઓ OCI કાર્ડધારકોને પણ ભારત આવવાની મંજૂરી આપવા બાબતે વિચારણા ચાલી રહી છે. અન્ય એક આદેશમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, OCI કાર્ડધારકોની જણાવેલ શ્રેણીઓમાં મળેલા આજીવન વીસા સુવિધા અને અનેકવાર પ્રવેશના અધિકારને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી તેઓ કોઇ મુશ્કેલી વગર ભારત જઇ શકે.

આ અઠવાડિયા અગાઉ ઇન્ડિયન અમેરિકન્સ કે જેમના બાળકો આ કાર્ડધારક છે તેમણે લાંબા સમયના વીસા પર હંગામી પ્રતિબંધ મૂકવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમાંના ઘણા લોકોએ એવા મુદ્દા ઉઠાવ્યા હતા કે તેમના નવજાત બાળકોને મંજૂરી નહીં આપી હોવાથી તેઓ સ્વદેશ પરત જવાની ફ્લાઇટ્સમાં ટિકિટ બૂક કરાવી શકતા નથી.

ભારતીય મૂળના લોકોને આ કાર્ડ આપવામાં આવે છે અને તેના આધારે તેઓ મોટાભાગે વીસા વગર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત તેમને અન્ય નાગરિકોની જેમ અન્ય લાભ મળે છે. જો કે, આ કાર્ડધારકો ખેતીની જમીન ખરીદી શકતા નથી, મતદાન કરી શકતા નથી, ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી અને સરકારમાં કામ કરી શકતા નથી.

માર્ચમાં લોકડાઉન લાગુ કરાયા પછી 23 હજારથી વધુ ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા હતા, અને તેમને ડઝનેક દેશોમાંથી પરત લાવવા માટે સરકાર દ્વારા વંદે ભારત મિશન હાથ ધરવામાં આવ્યું છે.

સરકારે ભારતીયોને પરત લાવવા માટે એર ઇન્ડિયા, ઇન્ડિયન નેવીના યુદ્ધ જહાજો અમેરિકા, યુરોપ, ગલ્ફ, ઓસ્ટ્રેલિયાની સાથે દક્ષિણ પૂર્વીય એશિયાના દેશો તથા નેપાળ અને બંગલાદેશ જેવા પડોશી દેશોમાં મોકલ્યા હતા. ગુરુવારે સરકારે જણાવ્યું હતું કે, વંદે ભારત મિશન અંતર્ગત બીજો તબક્કો 13 જુન સુધી લંબાવવામાં આવ્યો છે, જેમાં અંદાજે 50 દેશોને આવરી લેવાશે. ઉપરાંત આ તબક્કામાં ખાનગી એરલાઇન્સનો પણ સમાવેશ થઇ શકે છે.