લંડન ખાતેના ભારતીય હાઈ કમિશને એક અખબારી યાદીમાં તા. 31 ડીસેમ્બર, 2021ના રોજ જણાવ્યું હતું કે, ભારત સરકારે હાલમાં કોરોના વાઈરસના રોગચાળાના સંદર્ભમાં અગાઉ 19 એપ્રિલ, 2021ના રોજ વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો – ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયાની સુવિધા માટે ઓસીઆઈ કાર્ડ અંગે જે રાહતો આપી હતી, તે સંદર્ભમાં લોકોને નવા ઓસીઆઈ કાર્ડ લેવાની જરૂરત ઉભી થઈ હોય તેમના માટે તેની સમય મર્યાદા વધુ એક વર્ષ લંબાવીને 31 ડીસેમ્બર, 2022 કરવામાં આવી છે.
પ્રવર્તમાન નિયમો મુજબ જે ભારત વંશીય વિદેશી નાગરિકની ઉમર 20 વર્ષ પુરા થઈ ગઈ હોય, તેમણે નવા પાસપોર્ટ સાથે નવું ઓસીઆઈ કાર્ડ કઢાવી લેવું ફરજિયાત છે. પણ હાલના સંજોગોમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિના પગલે એવા લોકો હવે 31 ડીસેમ્બર, 2022 સુધીમાં નવું ઓસીઆઈ કાર્ડ કઢાવી શકશે. હાલમાં તેમને ભારત પ્રવાસ કરવાનો થાય તો જુના ઓસીઆઈ કાર્ડ સાથે નવો પાસપોર્ટ રજૂ કરીને તેઓ પ્રવાસ કરી શકશે.