અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં જીવનસંસ્મણ (મેમોર્સ)ના પુસ્તકની માત્ર 24 કલાકમાં આશરે 9 લાખ નકલોનું વેચાણ થયું હતું. આ પુસ્તકની કિંમત 45 ડોલર છે. આ પુસ્તક આધુનિક ઇતિહાસમાં બેસ્ટ સેલિંગ પ્રેસિડેન્શિયલ મેમોર્સ બને તેવી શક્યતા છે.
બરાક ઓબામાનાં સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ની નકલો બજારમાં આવતાંની સાથે જ ધડાધડ ઊપડી હતી. પુસ્તક બજારમાં મૂકાયાના પહેલા ચોવીસ કલાકમાં આ પુસ્તકની 8.90 લાખ નકલો વેચાઇ ગઇ હતી.
આ પુસ્તકના કેટલાક અંશો પુસ્તકની પરિચયાત્મક સમીક્ષા રૂપે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે પ્રગટ કર્યા હતા. એમાં ભારતના કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘ વિશેના ઉલ્લેખોએ ભારતના સાહિત્ય રસિકોમાં પણ આ પુસ્તક વિશે સારો રસ જગાડ્યો હતો.
આ પુસ્તકના પ્રકાશક પેંગ્વીન રેન્ડમ હાઉસના પ્રવક્તા ડેવિડ ટ્રેકે કહ્યું કે પહેલા દિવસના આ વેચાણથી અમે ખૂબ ખુશ છીએ. એનો અર્થ એ છે કે વાંચકો બરાક ઓબામાનાં સંસ્મરણો વાંચવા ઉત્સુક હતાં. આ પુસ્તકના આગોતરા ઓર્ડર્સ પણ નોંધાયાં હતાં. ઓનલાઇન બુકિંગ પણ થયું હતું. પુસ્તક બજારમાં આવતાં એને ખરીદવા રીતસર ધસારો થયો હતો. આ પુસ્તકના વેચાણથી એના પ્રકાશક પેંગ્વીન અને લેખક બરાક ઓબામા બંનેને છ છ કરોડ ડૉલર્સ મળશે. આ પુસ્તક અત્યારેજ બેસ્ટ સેલર બની રહ્યું હતું.