15 ડિસેમ્બરના રોજ અસાકે ગીગમાં ભાગ લેવા માટે થયેલી ધક્કામુક્કીમાં કચડાઈ જવાથી બે લોકોના મોત બાદ નવા વર્ષમાં સુનાવણી થાય ત્યાં સુધી O2 એકેડમી બ્રિક્ષ્ટન એકેડેમીને બંધ રાખવાનો લેમ્બેથ કાઉન્સિલે આદેશ આપવામાં આવ્યો છે. મેટ પોલીસે લેમ્બેથ કાઉન્સિલને 4,900-ક્ષમતાવાળા સ્થળને અસ્થાયી રૂપે બંધ કરવા જણાવ્યું હતું.
કાઉન્સિલની લાયસન્સિંગ કમિટીના અધ્યક્ષ કાઉન્સિલર ફ્રેડ કોવેલે કહ્યું હતું કે “ઘટનાની ગંભીરતા અને ઉદ્ભવેલી ગંભીર અવ્યવસ્થાના પરિણામે જાહેર સલામતી માટેના જોખમને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ બનાવમાં ગેબી હચિન્સન (ઉ.વ. 23) અને ન્યૂહામની 33 વર્ષીય બે બાળકોની માતા રેબેકા ઇકુમેલોનું અવસાન થયું હતું. 21 વર્ષીય મહિલા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એકેડેમી મ્યુઝિક ગ્રુપ લિમિટેડના સ્ટીફન વોલ્શે રહ્યું હતું કે ‘’O2 એકેડેમી ખાતે થયેલી ફેબ્રુઆરી 2020ની ઘટના બાદ અમે નીતિઓ અને પ્રક્રિયાઓમાં ફેરફાર કર્યો હતો. અમારા સ્ટાફે પોલીસની મુલાકાત કરતા તેઓ તે સમયે થયેલા ફેરફારોથી સંતુષ્ટ હતા. O2 એકેડેમી બ્રિક્ષ્ટન પહેલાથી જ આવતા વર્ષે જાન્યુઆરીમાં સંપૂર્ણ લાઇસન્સની સુનાવણી સુધી સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે સંમત થઈ હતી ત્યારે કાઉન્સિલ માટે સ્થળનું લાઇસન્સ સ્થગિત કરવાનું કોઈ કારણ નથી.
O2 એકેડેમી ખાતે આ વર્ષે 173 શો થયા હતા અને લગભગ 11 જાન્યુઆરી સુધીના શેડ્યૂલ શોમાંથી મોટાભાગના શોની ટિકીટ્સ વેચાઇ ચૂકી છે. હવે એકેડેમીનું ભાવિ 16 જાન્યુઆરી 2023 ના રોજ યોજાનારી કાઉન્સિલ લાયસન્સિંગ મીટિંગમાં નક્કી કરાશે.