ન્યુઝીલેન્ડમાં વસતા દંપતી કોલિન અને ડોના ક્રેગ-બ્રાઉન બાગકામ કરી રહ્યા હતા જ્યારે કોલિનને જમીનમાં કંઈક મોટું દટાયેલું હોવાનું જણાયું હતું. દંપતીએ ઘૂંટણિયે ટેકવી તપાસ કરી ખોદવાનું શરૂ કરતા રેકોર્ડ વજનનો 7.8 કિલોનો વિશ્વનો સૌથી મોટો બટાટો મળી આવ્યો હતો.
ડોનાએ કહ્યું હતું કે “અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહતા. તે ઘણો વિશાળ હતો.” આ દંપતી 30 ઓગસ્ટના રોજ બટાટો મળી આવ્યાના અઠવાડિયામાં હેમિલ્ટન નજીકના તેમના નાના ફાર્મની આસપાસ સ્થાનિક સેલિબ્રિટી બની ગયું છે. કોલિને બટાટાને ખેંચવા માટે એક નાનકડી ગાડી પણ બનાવી છે.
દંપતીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે “અમે તેને ટોપી પહેરાવી, તેને ફેસબુક પર મૂક્યો હતો અને તેને ફરવા લઈ ગયા હતા તેમજ થોડો સૂર્યપ્રકાશ આપ્યો હતો. બધુ જ મજાનું છે. તે અદ્ભુત છે અને લોકોનું મનોરંજન કરે છે.”
2011માં બ્રિટનમાં 5 કિલોથી ઓછા વજનનો બટાટો મળ્યો હતો જે સૌથી ભારે બટાટાનો હાલનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.