પંજાબમાં ચૂંટણીપ્રચાર કરતાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન સામે કાયદો ઘડવો જોઇએ, પરંતુ ખોટી રીતે કોઇને હેરાન કરવા જોઇએ નહીં.
પંજાબના જલંધરમાં જાહેરસભાને સંબોધન કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે ધર્મ એક વ્યક્તિગત વિષય છે. ધર્મ પરિવર્તન અંગે નિશ્ચિતપણે કાયદો ઘડવો જોઇએ, પરંતુ આ કાયદા મારફત કોઇને પણ ખોટી રીતે પરેરાશ કરવા જોઇએ નહીં. લોકોને ડરાવીને કરવામાં આવતું ધર્મ પરિવર્તન ખોટું છે.
આપના નેશનલ કન્વીનરે જણાવ્યું હતું કે દરેકને પોતાની પસંદગી મુજબ ધર્મનું પાલન કરવાનો હક છે.બળજબરીપૂર્વકના ધર્મ પરિવર્તન પર અંકુશ મૂકવા માટે ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના કેટલાંક રાજ્યોએ કાયદો ઘડ્યો છે. આસામ જેવા બીજા કેટલાંક રાજ્યો પણ આવો કાયદો ઘડવાની વિચારણા કરી રહ્યાં છે.
કેજરીવાલે વચન આપ્યું હતું કે જો પંજાબના લોકો સત્તા સોંપશે તો આપ સરકાર ડોરસ્ટેપ ડિલિવરી સર્વિસ અને મહોલ્લા ક્લિનિક ચાલુ કરશે. અમે 16,000 ક્લિનક બનાવીશું અને રાજ્યમાં હોસ્પિટલનું રિનોવેશન કરશે. દિલ્હીની જેમ પંજાબને પણ તમામ લાભ મળશે. તેમણે રાજ્યની ચૂંટણી પહેલા વધુ એક વચન આપ્યું હતું કે આપ સત્તા પર આવ્યા બાદ પંજાબમાં કોઇ નવો ટેક્સ લાદવામાં આવશે નહીં. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તેનું રીઝલ્ટ 10 માર્ચે જાહેર થશે.