કન્ઝર્વેટિવ સાંસદ નુસરત ગનીને તેણીના “મુસ્લિમ ધર્મ”ને કારણે કેબિનેટમાંથી કાઢ્યા હોવાનું કહેનાર ભૂતપૂર્વ મુખ્ય દંડક અને હાલના એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર માર્ક સ્પેન્સર સામે કોઈ વધુ પગલાં લેવાશે નહીં એમ વડા પ્રધાન ઋષિ સુનકે ગુરુવારે જાહેર કર્યું હતું. પરંતુ નુસરત ગનીના સાથીઓએ કહ્યું હતું કે તેમને પાર્ટીમાં ઇસ્લામોફોબિયાના “કવર-અપ”નો ડર છે.
વડા પ્રધાનના એથિક્સ એડવાઇઝર, સર લૌરી મેગ્નસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં, મુખ્ય દંડક તરીકેના તેમના પગલાઓમાં માર્ક સ્પેન્સરની “ખામીઓ” નોંધવામાં આવી હતી, પરંતુ કથિત ટિપ્પણી કરવામાં આવી હતી કે તે અંગેના “અનિર્ણાયક પુરાવા”ના કારણે તેઓ મિનિસ્ટરીયલ કોડનો ભંગ કરવા બદલ દોષી જણાયા નથી.
મેગ્નસે જણાવ્યું હતું કે ઈસ્ટ સસેક્સના વેલ્ડનના સાંસદ ગની અને સ્પેન્સરે જે કહેવામાં આવ્યું હતું તેના વિશે તેમની પ્રતીતિમાં અડગ અને સુસંગત હતા, પરંતુ તેમણે અલગ અલગ નિવેદન આપ્યા હતા. તેમને કોઈ પુરાવા મળ્યા નથી કે કેબિનેટમાં ફેરબદલની ચર્ચા દરમિયાન ગનીનો ધર્મ વચ્ચે આવ્યો હતો.
ગનીએ કહ્યું હતું કે તેણીને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેણીએ 2020 કેબિનેટના ફેરબદલ દરમિયાન સ્પેન્સરને મળ્યા પછી ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો તો તેણીની કારકિર્દી “નાશ” થઈ જશે. ત્યારે બોરિસ જૉન્સન વડા પ્રધાન હતા.