ઉદયપુરમાં કન્હૈયાલાલની ઇસ્લામના નામે જેવી બર્બરતાથી હત્યા થઈ હતી તેવી રીતે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ 21 જૂને ઘાતકી હત્યા થઈ હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી છે. અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના કેમિસ્ટે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કથિત ફેસબૂક પોસ્ટ મૂકી હતી અને તેનો સ્ક્રીનશોટ મુસ્લિમ સભ્યો હોય તેવા વોટ્સએપ ગ્રૂપમાં ભૂલથી શેર કર્યો હતો. આ પછી કોલ્હેની ગળાના ભાગે છરીના ઘા મારીને હત્યા થઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં મુદ્દસીર અહેમદ (22), શાહરુખ પઠાણ (25), અબ્દુલ તૌફિક (24), શોએબ ખાન (22), અતિબ રશીદ (22)ની ધરપકડ કરાઈ છે. આ તમામ અમરાવતીના અને રોજિંદી મજૂરી કરે છે. અમરાવતી પોલીસ કમિશનર ડો.આરજી સિંહે શનિવારે જણાવ્યું હતું કે એનજીઓનું સંચાલન કરતાં મુખ્ય આરોપી ઇરફાન ખાન (32)ની શોધખોળ ચાલુ છે.
સિટી પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે કોલ્હે અમરાવતીમાં મેડિકલ સ્ટોર ચલાવે છે. તેમણે નુપુર શર્માના સમર્થનમાં કેટલાંક વોટ્સએપ ગ્રૂપમાં એક પોસ્ટ કથિત રીતે શેર કરી હતી. તેમણે ભૂલથી મુસ્લિમ સભ્યો હતા તેવા ગ્રૂપમાં પણ આ પોસ્ટ શેર કરી હતી. આ પછી ઇરફાન ખાને કોલ્હેની હત્યા માટે ષડયંત્ર રચ્યું હતું અને પાંચ હત્યારા ભાડે રાખ્યા હતા. હત્યારોને પ્રત્યેકને રૂ.10,000 આપવાનું વચન આપ્યું હતું. કોલ્હે પોતાનો મેડિકલ સ્ટોર બંધ કરીને ટુ વ્હિલર પર ઘરે જઈ રહ્યાં હતા ત્યારે રાત્રે 10થી 10.30ની વચ્ચે હત્યા થઈ હતી. તે સમયે પુત્ર સંકેત અને પત્ની વૈષ્ણવી પણ અલગ વ્હિકલમાં કોલ્હે સાથે આવતા હતા.તેઓ મહિલા કોલેજ ગેટની નજીક પહોંચ્યા ત્યારે મોટરસાઇકલમાં આવેલા બે વ્યક્તિએ કોલ્હેને અટકાવ્યા હતા અને એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારથી ગળા પર પ્રહાર કર્યો હતો અને ઘટના સ્થળથી બંને ભાગી ગયા હતા. કોલ્હે લોહીથી લથબથ થઈને રોડ પર પડી ગયા હતા. પોલીસે હત્યા માટે વપરાયેલી છરી કબજે કરી છે અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે.