ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) પર વાટાઘાટોનો નવમો રાઉન્ડ એપ્રિલમાં પૂર્ણ થયો છે અને વર્ષના અંત પહેલા સકારાત્મક જાહેરાતની અપેક્ષા છે ત્યારે 2023 ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકરના નવા રીસર્ચ મુજબ યુકેમાં કાર્યરત ભારતીયોની માલિકીની કંપનીઓની સંખ્યા 954ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે, જે અગાઉના વર્ષની 900ની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. યુકેમાં કાર્યરત ભારતીયોની માલિકીની કંપનીઓની આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકરની નવમી વાર્ષિક આવૃત્તિમાં ભારતીય ઉદ્યોગમહામંડળ (સીઆઇઆઇ)ના સહયોગમાં આ રીસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ભારતીયોની માલિકીની અથવા ભારતીયોના અંકુશ હેઠળની કંપનીઓનું એનાલિસિસ કરાયું હતું.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતીય માલિકીની કંપનીઓની હાજરી અને યુકેના અર્થતંત્રમાં યોગદાન 2014 પછીથી નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. સંશોધનમાં સમાવેશ માટે લાયકાત ધરાવતી કંપનીઓની સંખ્યામાં લગભગ ત્રીજા ભાગનો વધારો થયો છે. આવી કંપનીઓની સંખ્યા 2014માં 700થી વધીને 2023માં 954 થઈ હતી. ગયા વર્ષે આ કંપનીઓની સંખ્યા 900 હતી.
યુકેમાં ભારતીયોની માલિકીની કંપનીનું કુલ ટર્નઓવર 2014માં 19 બિલિયન પાઉન્ડ હતું, જે 2023માં વધીને 50.5 બિલિયન પાઉન્ડ થયું હતું. યુકેમાં આવી ટોચની કંપનીઓ મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. છેલ્લાં દસ વર્ષમાં આશરે એક લાખ કરતાં વધુ લોકોને રોજગારી આપી છે.
ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપ હેડ અનુજ ચંદે જણાવ્યું હતું કે વિશ્વભરના બિઝનેસ અને અર્થતંત્રો હજુ પણ મહામારીની અસરનો સામનો કરી રહ્યાં હોવા છતાં યુકેમાં કાર્યરત ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા પાછલા 12 મહિનામાં તેના ઉચ્ચતમ સ્તરે રહી છે. ઓપરેશનલ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં કંપનીઓની સંખ્યામાં થયેલો વધારો નોંધપાત્ર છે. યુકેમાં આ વધતી હાજરી એ બંને દેશો વચ્ચેના વધતા સંબંધોને પ્રતિબિંબિત કરે છે, છેલ્લા એક દાયકામાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ ગાઢ થતા જોવા મળ્યાં છે.
ઉદાહરણ તરીકે દ્વિપક્ષીય વેપાર 2013માં £16.4 બિલિયનથી 2022માં £35.9 બિલિયન થઈને બમણો થઈ ગયો છે.
ટ્રેકર કંપનીઓમાં સરેરાશ વાર્ષિક આવક વૃદ્ધિ દર પણ ગયા વર્ષ (38%)ની સરખામણીમાં લગભગ બમણો થઈને 71%ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વાર્ષિક ધોરણે આવક વૃદ્ધિ સંદર્ભમાં ત્રણ સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં એલટી ફૂડ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ (807%), સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલ લિમિટેડ (491%) અને રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ (યુકે) પ્રાઈવેટ લિમિટેડ (364%)નો સમાવેશ થાય છે.
રીસર્ચમાં જણાવ્યા અનુસાર ભારતીય માલિકીની કંપનીઓ વૃદ્ધિ માટે હવે લંડન સિવાયના અન્ય બજારો પણ પણ નજર દોડાવી રહી છે. આવી કંપનીઓ માટે લંડન પસંદગીનું સ્થળ છે, પરંતુ હવે રાજધાની સિવાયના સ્થળો પર બિઝનેસ કરતી કંપનીઓનું પ્રમાણ 50 ટકા થયું છે.