ભારતની મલ્ટિબિલિયન પાઉન્ડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડમાં કહેવાતા માફિયા રાજ અને ભાઇ-ભત્રીજાવાદ માટે દોષીત ટોચના કેટલાક અભિનેતાઓ અને ડાયરેક્ટર્સ દ્વારા કહેવાતા જૂથવાદને કારણે સુશાંતસિંહ રાજપુતે અત્મહત્યા કરી લેતા યુકેમાં આવેલા વિવિધ 102 જેટલા ભારતીય ધાર્મિક અને સામાજીક સંગઠનોના બનેલા એનઆરઆઇ યુકે ફોરમ દ્વારા એનઆરઆઈ યુકે માસ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે.
એનઆરઆઇ યુકે ફોરમની અખબારી યાદીમાં જણાવાયું છે કે આ મુવમેન્ટ અંતર્ગત યુકેના એનઆરઆઈને સિનેમાઘરો, નેટફ્લિક્સ અથવા વિવિધ ટીવી ચેનલોમાં બોલિવૂડ માફિયાનો બહિષ્કાર કરીને જવાબ આપવા અનુરોધ છે. યુકેના સુશાંતસિંહ રાજપૂતના ચાહકોને નવા કલાકારોને દબાવવાનો જેમના પર આક્ષેપ થઇ રહ્યો છે તેવા ખાન્સ, કપુર્સ અને ભટ્ટ્સની બોલિવૂડ મૂવીઝનું સમર્થન નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
નિવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ ભાઇ-ભત્રીજાવાદ માટે દોષીત છે, નવી પ્રતિભાને મારી નાંખે છે અને ડ્રગ્સ અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા આઈએસઆઈ એજન્ટો સાથે મજબૂત સંબંધો ધરાવે છે.
અખબારી યાદીમાં જણાવાયું છે કે અમે ફક્ત લાયક પ્રતિભા સફળ થાય તે સુનિશ્ચિત કરવા માટે અને બોલીવુડના મૂળમાં સુધારાની માંગણી કરીએ છીએ. યુકેના એનઆરઆઈ ડાયસ્પોરા ભારતના રાષ્ટ્રીય હિતના ભોગે અને હિન્દુ સંસ્કૃતિ અને તેની માન્યતાઓનું અપમાન કરીને બોલિવૂડ વિકાસ કરે તે જારા પણ ઇચ્છતુ નથી.
યાદીમાં બધા ભારતીય અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે સમાન તક માટે, કોઈ પણ ધર્મના ભગવાનનું અપમાન ન કરવા, ભારત કે વિશ્વમાં આતંકવાદના કૃત્યોને પ્રોત્સાહિત કરતા દેશો સાથે કામ ન કરવા અને ભારત વિરોધી તમામ દેશો, સંગઠનો અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી હતી.