ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે બે બાળકોની કસ્ટડી ગુમાવ્યા પછી એનઆરઆઇ મહિલા પ્રિયદર્શિની પાટીલ રવિવારે પોતાના વતન કર્ણાટકના બેલગાવી જિલ્લામાં આપઘાત કર્યો હતો. પોલીસને આ મહિલાની સુસાઇડ નોટ મળી હતી. તેમાં મહિલાએ ઓસ્ટ્રેલિયામાં તેના પરિવારને પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મહિલા તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી બેલગાવી આવી હતી.
પ્રિયદર્શિની પાટીલ તેના પતિ લિંગરાજ પાટીલ અને તેમના બાળકો અમર્ત્ય (17) અને અપરાજિતા (13) સાથે સિડનીમાં રહેતા હતા. સુસાઇડ નોટમાં 40 વર્ષીય માતાએ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ અને સિડની વિસ્તારના કેટલાક રહેવાસીઓ પર તેના પરિવારને હેરાન કરવાનો આરોપ મૂક્યો હતો. આ મુશ્કેલીને કારણે મહિલાએ બેલગાવી જિલ્લાના સૌંદત્તી નજીક આપઘાત કર્યો હતો. મહિલાનો પરિવાર બાળકોની કસ્ટડી મેળવવા માટે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સામે કાનૂની લડાઈ લડી રહ્યો હતો. તેમનો પુત્ર અમર્ત્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન હોસ્પિટલના સત્તાવાળાઓએ મહિલા પર તેના બાળકો પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યા બાદ વિવાદ ઊભો થયો હતો. આ પછી સરકારે તેના બે બાળકોનો કબજો લીધો હતો. મહિલાએ ઓસ્ટ્રેલિયન સરકારને તેની નાગરિકતા પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી, જેથી તે તેના બાળકોને સારવાર માટે ભારત પરત લઈ જઈ શકે. જોકે મહિલાની વિનંતીઓની અવગણવામાં આવી હતી.
મહિલાના પરિવારે આપઘાત માટે ઓસ્ટ્રેલિયન સરકારને દોષી ઠેરવી હતી અને જણાવ્યું હતું કે બગડતી તબિયતને કારણે મહિલાએ આટલું આત્યંતિક પગલું ભર્યું હતું. રિકવર કરાયેલી સુસાઈડ નોટ મુજબ મહિલાએ આરોપ મૂક્યો છે કે અમારું જીવન જોખમમાં છે. મારા બાળકો અને પતિ લિંગરાજના અસ્તિત્વ માટે હું મારા જીવનનો અંત લાવવા મજબૂર છું. હું મારા પરિવારના ભલા માટે આપઘાત કરી છું. 2021થી આજદિન સુધી DCJ (ઓસ્ટ્રેલિયાના સમુદાય અને ન્યાય વિભાગ)એ મારા પરિવારને બરબાદ કરી નાખ્યો છે. સિડનીમાં વર્લી સ્ટ્રીટના રહેવાસીઓએ અમને હેરાન કર્યા છે. એક પોલીસ અધિકારીનો પરિવાર તેને પરેશાન કરી રહ્યો હતો અને તેના ઘરે પાણીનો પુરવઠોમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી હતી.