NRI રોકાણકાર રાજીવ જૈનના GQG પાર્ટનર્સ અદાણી ગ્રૂપમાં તેમના હિસ્સામાં આશરે 10 ટકાનો વધારો કર્યો છે. આ હિસ્સાનું મૂલ્ય આશરે 3.5 બિલિયન ડોલર થાય છે. હિન્ડનબર્ગના રીપોર્ટના પગલે અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણ ચાલું હતું ત્યારે રાજીવ જૈનની આ કંપનીએ આશરે રૂ.15,000 કરોડનુ રોકાણ કર્યું હતું.
જૈને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં અમે અદાણી ગ્રૂપના અદાણી પરિવાર પછીના એક અગ્રણી રોકાણકાર બનવા માગીએ છીએ. જૈનના આ રોકાણના કારણે અદાણીના સ્ટોક્સને ઘણી સ્થિરતા મળી હતી. રાજીવ જૈન માટે આ રોકાણ ફાયદાકારક સાબિત થયું છે. અમે અદાણી જૂથના કોઈ પણ નવા ઓફરિંગમાં ભાગીદાર બનવા માટે તૈયાર છીએ.
જોકે, રાજીવ જૈને એ વાતની સ્પષ્ટતા કરી ન હતી કે તેમણે અદાણીની કઈ કંપનીઓમાં તાજેતરમાં હિસ્સો ખરીદ્યો છે. પરંતુ GQG પાર્ટનર્સ છેલ્લા કેટલાક દિવસોથી અદાણી જૂથમાં ધીમે ધીમે હિસ્સો ખરીદે છે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત તે અદાણીના ફંડ એકત્રીકરણ પ્રોગ્રામમાં પણ ભાગ લેવા માટે આતુર છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસે જાહેરાત કરી હતી કે તે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી)ના રૂટ દ્વારા બજારમાંથી 21,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. માર્ચ મહિનામાં અદાણી ગ્રૂપની પ્રમોટર એન્ટીટી એસ બી અદાણી ફેમિલી ટ્રસ્ટે ચાર કંપનીઓ – અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર GQG પાર્ટનર્સને વેચ્યા હતા. GQG દ્વારા અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં 5,460 કરોડના શેર ખરીદવામાં આવ્યા હતા.