દુબઈસ્થિત ભારતીય મૂળના બિઝનેસમેન અબ્દુલ લાહીર હસને પોતાના જમાઈ સામે રૂ.107 કરોડની કથિત છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ બિઝનેસમેને 2017માં તેમની દીકરીનાં લગ્ન કેરળના યુવક સાથે કરાવ્યા હતા અને પાંચ વર્ષ પછી જમાઈ સામે આશરે રૂ. 107 કરોડની છેતરપિંડી ઉપરાંત સોનાના દાગીનાની છેતરપિંડી કરી હોવાનો આરોપ મુક્યો હતો. હસને અલુવા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદ મુજબ તેમના જમાઈ મહંમદ હાફિઝે કથિત રીતે ઉદ્યોગપતિની કેટલીક મિલકતોની માલિકી પણ મેળવી લીધી હતી.

આ કેસમાં છેતરપિંડીની ફરિયાદ રૂ. 100 કરોડથી વધુની અને આરોપીઓ ફરાર હોવાથી કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. આરોપી ગોવામાં હોવાનું માનવામાં આવે છે. પોલીસ રૂ. 1.5 કરોડની કિંમતની કાર પણ તેની પાસેથી વસૂલ કરી શકી નથી. હસને કહ્યું કે જમાઈએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના દરોડા પછી લાદવામાં આવેલા દંડની ચૂકવણી કરવા માટે અંદાજે રૂ. 4 કરોડની માગણી કરી હતી અને તેની સાથે છેતરપિંડીની શરૂઆત થઈ હતી. આ પછી જમીનની ખરીદી અથવા ફૂટવેરનો શોરૂમ ખોલવા જેવા વિવિધ બહાના હેઠળ જમાઈએ તેમની પાસેથી રૂ. 92 કરોડથી વધુ રકમ મેળવી હતી. પોલીસે જણાવ્યું હતું કે હસને જમાઇ અને તેના સાથીદાર અક્ષય થોમસ વૈદ્ય સામે ફરિયાદ કતરી છે.

LEAVE A REPLY