ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીય (NRI) પોતાની પત્નીને તરછોડી દે અને દહેજ માટે પરેશાન કરે તો તેમની ફરજિયાત ધરપકડ કરવાની માગણી કરતી અરજીની સુનાવણી જુલાઈમાં કરવામાં આવશે.

અરજકર્તા મહિલાઓના ગ્રૂપના વકીલ કોલિન ગોન્ઝાલ્વિસે સુપ્રીમ કોર્ટની ખંડપીઠને જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં દલીલ કરવા માટે તૈયાર છે. એનજીઓ પ્રવાસી લીગલ સેલ વતી સિનિયર એડવોકેટ સંજય હેડગેએ જણાવ્યું હતું કે તેમણે આ કેસમાં એક અલગ અરજી દાખલ કરી છે અને આ મુદ્દે કોર્ટને મદદ કરવા માગે છે. આ કેસમાં નોટિસ જારી કરવી જોઇએ. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના વકીલે જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે અલગ પિટિશન દાખલ કરી છે અને તેના માટે નોટિસ જારી કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ બંને અરજી અંગે નોટિસ જારી કરી હતી.
અગાઉ કોર્ટમાં એવી અરજી થઈ હતી કે એફઆઇઆર દાખલ થયા બાદ તરછોડાયેલી મહિલાને કાનૂની અને નાણાકીય મદદ આપવામાં આવે તથા એનઆરઆઇ પતિની ધરપકડ કરવામાં આવે. આ અરજીને આધારે સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બર 2018ના રોજ ભારત સરકારને નોટિસ આપી હતી.

એનઆરઆઇ પતિ દ્વારા કથિત રીતે તરછોડાયેલી અને દહેજ પીડિત મહિલાઓના એક ગ્રૂપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે આવા પતિની ફરજિયાત ધરપકડ કરવામાં આવે અને વિદેશમાં કેસ લડવા માટે કોન્સ્યુલર મદદ આપવામાં આવે. એફઆઇઆર નોંધવામાં આવ્યા બાદ પતિને ભાગેડુ જાહેર કરવામાં આવે તો તાકીદે લુક-આઉટ સર્ક્યુલર જારી કરવો જોઇએ.

કોર્ટે હાજર થવા સમન્સ આપ્યું હોય અથવા ધરપકડનું વોરંટ આપવામાં આવ્યું હોય તથા આરોપી ભાગતો ફરતો હોય અથવા ભારતમાં પરત આવવાનું ટાળતો હોય તો પાસપોર્ટ જપ્ત કરવો જોઇએ અને રદ કરવો જોઇએ. આવા આરોપીને ભારતમાં લાવવા માટે તમામ પગલા લેવા જોઇએ.

અરજકર્તા મહિલાઓએ માગણી કરી હતી કે વિશ્વભરની ઇન્ડિયન એમ્બેસી ત્યકતા એનઆરઆઇ મહિલાને મદદ કરવામાં સક્રિય અને સહાનુભૂતિપૂર્વક ભૂમિકા ભજવે તેવી સૂચના આપવામાં આવે, જેથી ભાગેડુ પતિને શોધવામાં મદદ મળશે. વિવિધ ઇન્ડિયન એમ્બેસી મારફત સ્પાઉસ વિઝા અરજી માટે અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારને સૂચના આપવાની પણ માગણી કરાઈ હતી.

અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જો ત્યકતા મહિલા નાણાકીય રીતે નિરાધાર હોય તથા પોતાની અને બાળકોની સંભાળી રાખી શકવા સક્ષમ ન હોય તેવા કિસ્સામાં કેન્દ્ર સરકારે નાણાકીય સહાય, રોજગારી, હેલ્થ કેર બેનિફિટ, બાળકોના શિક્ષણ, હાઉસિંગ જેવી મદદ માટે તાકીદે સ્કીમ બનાવવી જોઇએ.