ભારતભરમાં વસતા ગુજરાતીઓને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી બનાવવા તથા તેઓની સમસ્યાઓના નિરાકરણ માટે અખિલ ભારતીય ગુજરાતી સમાજ સંકલન સમિતિની રચના કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બિન નિવાસી પ્રભાગના રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, આ સંકલન સમિતિના મુખ્ય સંવર્ધક તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અધ્યક્ષ તરીકે એન.આર.જી. પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રહેશે. સમિતિની બેઠક વર્ષમાં બે વાર મળશે.
તેમજ સમિતિ એન.આર.જી.ના વિવિધ પ્રશ્ર્નો તથા રાજ્ય સરકારની ભૂમિકા અંગે પરામર્શ કરશે. સાથે સાથે રાજ્યની સંસ્કૃતિ ધરોહર સમાન કલા-વારસાના જતન અને આદાન-પ્રદાન સહિત રાજ્ય સરકારના વિવિધકાર્યક્રમોમાં તેમની સહભાગીતા માટેના પ્રયાસો કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંકલન સમિતિના સભ્યો તરીકે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના રજિસ્ટર્ડ ગુજરાતી સમાજોના પ્રમુખશ્રીઓ / મંત્રીઓ રહેશે અને અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પૈકી રાજ્ય સાથે સતત જોડાયેલા ખ્યાતનામ બિન-નિવાસી ગુજરાતીઓ પૈકી કેટલાકનો સમાવેશ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ લી., યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ઇન્ડેક્ષ્ટ-સી જેવાં સરકારી સાહસોના વડા આમંત્રિત સભ્ય તરીકે રહેશે. આ સમિતિની વર્ષમાં બે બેઠક મળશે. એક બેઠક ગુજરાત રાજ્યમાં અને અન્ય બેઠક યજમાન રાજ્યમાં મળશે.