નેશનલ ફાર્મસી એસોસિએશને (NPA) 200થી વધુ સ્વતંત્ર ફાર્મસીઓના કરેલા સર્વેક્ષણ મુજબ ઈંગ્લેન્ડમાં આવેલી 10માંથી નવ (91%) ફાર્મસીઓના માલિકોએ 2022 દરમિયાન વર્ષના ઓછામાં ઓછા એક મહિના માટે NHS માટે દવાઓનું વિતરણ કરતી વખતે ચોખ્ખી ખોટ કરી હતી. 48% લોકોએ કહ્યું હતું કે મુખ્ય NHS સેવા આપતી વખતે છ મહિના કે તેથી વધુ સમય માટે નાણાં ગુમાવ્યા હતા.
93% ફાર્મસીઓએ સમગ્ર વ્યવસાયમાં ઓછામાં ઓછા એક મહિનાના નકારાત્મક રોકડ પ્રવાહનો અનુભવ કર્યો હતો. જ્યારે 45% લોકોએ જણાવ્યું હતું કે તેમનો એકંદર ખર્ચ વર્ષના ઓછામાં ઓછા છ મહિનાની એકંદર આવક કરતાં વધી ગયો હતો.
33% લોકોએ કહ્યું હતું કે ખર્ચને મર્યાદિત કરવા માટે તેમણે તેમના શરૂઆતના કલાકો ઘટાડી દીધા છે અને 59% કહ્યું હતું કે સ્ટાફ ઘટાડ્યો છે. 38% એ કેટલીક NHS સેવાઓ મર્યાદિત અથવા બંધ કરી દીધી હતી અને બહુમતી (59%) હોમ ડિલિવરી અથવા મફત સપોર્ટને મર્યાદિત અથવા બંધ કરી દીધા હતા.
40% માલિકોએ જણાવ્યું હતું કે તેઓએ કામગીરી જાળવવા માટે 2022 માં બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કર્યો હતો. 20% લોકોએ પરિવારોને આર્થિક સહાય માટે કહ્યું હતું.
NPA અધ્યક્ષ એન્ડ્રુ લેને કહ્યું હતું કે “આ સર્વે વર્ષોના ઓછા ભંડોળ પછી ઘણી સ્વતંત્ર ફાર્મસીઓનો સામનો કરી રહેલી અંધકારમય નાણાકીય વાસ્તવિકતા દર્શાવે છે. આ ભંડોળની કટોકટીનો તાકીદે હલ લાવવો આવશ્યક છે અથવા ફાર્મસીઓ ઘટતી સેવાઓ અને આખરે વ્યાપકપણે બંધ થઇ જશે.”