સેન્ટ જેમ્સ પેલેસ, લંડન ખાતે નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA)ની શતાબ્દી નિમિત્તે બુધવારની રાત્રે તા. 4 મેના રોજ પ્રિન્સ ચાર્લ્સે કોવિડ-19 રોગચાળા દરમિયાન કોમ્યુનિટી ફાર્માસિસ્ટની કામગીરીની ઉજવણી કરવા યોજેલા એક કાર્યક્રમમાં “ફાર્મસી સ્ટાફના સમર્પણ અને પ્રોફેશનલાઝીમ”ની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 200 જેટલા ફાર્માસિસ્ટ, ફાર્મસી સ્ટાફ અને અન્ય આરોગ્ય સેવાના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સે NHS ફ્રન્ટલાઈન પર ફાર્મસીઓના કાર્યની સરાહના કરતાં જણાવ્યું હતું કે “મને આશા છે કે તમે અને તમારી કોમ્યુનિટીએ કરેલા અદ્ભુત કાર્યને પ્રકાશિત કરવામાં થોડી મદદ કરશે. એ જાણવું ખરેખર પ્રેરણાદાયક છે કે આ કાર્યક્રમમાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો જોડાયેલા છે જેઓ આ ફાર્મસી વર્કફોર્સ બનાવે છે. આ તમારો એક પ્રાચીન વ્યવસાય હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે આધુનિક બ્રિટનને તેની તમામ ભવ્ય વિવિધતામાં પ્રતિબિંબિત કરે છે. તે જ સમયે, તમે રાષ્ટ્રની હાઇ સ્ટ્રીટ અને પડોશમાં ખૂબ જ પરિચિત વ્યક્તિ બનો છો – જેના પર લોકો આધાર રાખે છે અને પેઢીઓથી ખૂબ જ મૂલ્યવાન માન્યતા આપે છે. સલાહ અને સારવાર માટે ત્વરિત ઍક્સેસ આપવા સાથે, મહાન બાબત એ છે કે તમે આપણા સમુદાયોમાં મૈત્રીપૂર્ણ અને આશ્વાસન આપનાર પણ છો. ફાર્મસી એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન, સમાજને મળે છે. જેમ કે મેં અગાઉ એક વાર કહ્યું હતું કે, ફાર્મસીઓ લોકો અને સ્થાનો વિશે છે, માત્ર ગોળીઓ માટે નહીં.”
નેશનલ ફાર્મસી એસોસિએશનના અધ્યક્ષ એન્ડ્રુ લેન અને NPA બોર્ડના સભ્ય રાજ અગ્રવાલ OBE દ્વારા રોયલ હાઈનેસ પ્રિન્સ ચાર્લ્સનો પરિચય મહેમાનો સાથે કરાવવામાં આવ્યો હતો.
એન્ડ્રુ લેને કહ્યું હતું કે “આ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્રમમાં પ્રિન્સ ઑફ વેલ્સને મળવું અને ફાર્મસીના ઘણા મહાન સાથીદારોનું સામેલ થવું એ એક લહાવો હતો. હિઝ રોયલ હાઇનેસ અમે આપણા સમુદાયો માટે શું કરીએ છીએ તેમાં ખૂબ જ રસ ધરાવતા હતા.”