Now New Zealand will also ban the use of TikTok on government devices

ન્યૂઝીલેન્ડ સરકારે સાઇબર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને હવે દેશના સંસદીય નેટવર્ક સાથે જોડાયેલા ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે. અગાઉ યુકે અને અમેરિકા જેવા દેશોએ સરકારી ઉપકરણોમાં આ વીડિયો શેરિંગ એપના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો.

ટિકટોકની મુખ્ય ચાઈનીઝ કંપની બાઇટ ડાન્સના માધ્યમથી ચીનની સરકાર દ્વારા ઉપયોગકર્તાની માહિતી મેળવવાની સંભાવના સામે વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.

થોડા સમય અગાઉ જ્યારે બાઇડેન એડમિનિસ્ટ્રેશને માગ કરી હતી કે, ટિકટોકના ચાઇનીઝ માલિકો તેમનો હિસ્સો વેચે અથવા એપ્લિકેશન અમેરિકામાં પ્રતિબંધનો સામનો કરી શકે છે ત્યારે ન્યૂઝીલેન્ડમાં આ ચિંતાઓને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી હતી. આથી ન્યૂઝીલેન્ડ સરકાર માર્ચના અંત સુધીમાં સંસદના નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવા તમામ ઉપકરણો પર ટિકટોકને પ્રતિબંધિત કરશે.

પાર્લામેન્ટરી સર્વિસના ચીફ એક્ઝિક્યુટિવ રાફેલ ગોન્ઝાલેઝ-મોનટેરોએ રોયટર્સને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, સાઇબર સુરક્ષા નિષ્ણાતોની સલાહ, સરકારમાં અને અન્ય દેશો સાથે ચર્ચા કર્યા પછી આ પ્રતિબંધ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બાઇટ ડાન્સ દ્વારા આ અંગે પ્રતિભાવ આપવા રોયટર્સની વિનંતીનો તાત્કાલિક કોઇ જવાબ મળ્યો નથી.

બ્રિટને ગુરુવારે તાત્કાલિક અસરથી સરકારી ફોન પર ટીકટોક એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકામાં સરકારી એજન્સીઓ પાસે માર્ચના અંત સુધી અધિકૃત ઉપકરણોમાંથી એપ્લિકેશનને દૂર કરવાનો સમય છે.

LEAVE A REPLY