કરીના કપૂરે અભિનેત્રી તરીકેની પોતાની આવડતને પૂરવાર કર્યા પછી તે નિર્માત્રી તરીકે બોલીવૂડમાં પોતાની ડેબ્યુ કરવા જઇ રહી છે. જોકે, તેણે આ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી કે તે એક્તા કપૂર સાથે એક ફિલ્મ બનાવવાની છે. હવે તેણે તેના અંગે વધુ થોડી માહિતી જાહેર કરી છે. આ ફિલ્મનો વિષય મર્ડર થ્રીલર પર આધારિત હશે. તેનું દિગ્દર્શન હંસલ મહેતા કરશે. ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો ફોટો શેર કર્યો છે તેમાં ટાઈટલમાં ધી અને મર્ડર શબ્દો જોવા મળે છે, તેથી તે ફિલ્મ અંગે જુદા જુદા અનુમાનો લગાવવામાં આવે છે.
કરીનાના પિતા રણધીર કપૂર અને દાદા રાજ કપૂર બંને અભિનેતા અને નિર્માતા પણ હતા. તેથી તે પણ હવે ફિલ્મ પ્રોડક્શનમાં આગળ વધારી રહી છે. જોકે, બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓએ આ ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આલિયા ભટ્ટ દ્વારા નિર્મિત ડાર્લિંગ ફિલ્મ તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થઈ ચુકી છે. દીપિકા પાદુકોણે પ્રોડયૂસ કરેલી ફિલ્મ 83 ગત વર્ષે રિલીઝ થઈ હતી પરંતુ કંઇ ખાસ સફળ થઇ નહોતી. પ્રિયંકા ચોપરા, કંગના રણૌત અને તાપસી પન્નુ સહિતની મોટાભાગની હિરોઈનો ફિલ્મ પ્રોડયૂસર બની ચુકી છે. થોડા સમય પહેલાં સોનાક્ષી સિંહાએ પણ તેના ભાઈના બેનરની ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, અનુષ્કા શર્માએ પોતાની પ્રોડક્શન કંપની શરુ કર્યા પછી તેને આગળ વધવાનો વિચાર પડતો મુક્યો હતો.