રાજકુમાર રાવની મર્ડરમિસ્ટ્રી ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ 11 નવેમ્બરે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રદર્શિત થઈ છે. દર્શકોએ ફિલ્મ અને રાજકુમારના અભિનયની પ્રશંસા કરી છે. આ વર્ષે અગાઉ, તેની ‘બધાઈ દો’ નામની ફિલ્મ મોટા પડદે રિલીઝ થઈ હતી, પરંતુ ખાસ સફળતા મેળવી શકી ન હતી.
રાજકુમારે આ વર્ષે બોલિવૂડ પર લાગેલા ગ્રહણની વાતને સ્વીકારી છે અને નવા વર્ષમાં જોરદાર કમબેક કરવાની આશા વ્યકત કરી છે. રાજકુમારે બોલિવૂડને મળેલી નિષ્ફ્ળતા સ્વીકારતાં કહ્યું હતું કે, આપણે બધા એક જ વાત કરી રહ્યા છીએ કે, જુઓ આ ફિલ્મ ન ચાલી. આ ફિલ્મે તો પ્રોડ્યુસર્સના પૈસા ડૂબાડ્યા, પરંતુ બોલિવૂડમાં આ વર્ષે સારી ફિલ્મો બની જ નથી અને આ કારણે જ એક પછી એક બધી ફિલ્મો નિષ્ફ્ળ થઈ છે. આ હકીકતથી દૂર ભાગવાની જગ્યાએ તેને સ્વીકારીને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક લોકોએ આગળ વધવાની અને કંઈક નવા વિષયો પર ફિલ્મો બનાવવાની જરૂર છે.
ફિલ્મ ‘સ્ત્રી’માં હોરર-કોમેડી જોનર અને ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ જેવી મર્ડરમિસ્ટ્રીનો હિસ્સો બનનાર રાજકુમારે કહ્યું હતું કે, ફિલ્મો દ્વારા અમારે સતત નવા-નવા પ્રયોગો કરવા પડશે. મને લાગે છે કે, કોઈપણ ફિલ્મ ભલે કોમેડી હોય, પરંતુ તેનો રોલ ભજવવો ઘણો કઠીન હોય છે. દર વખતે એક્ટર્સને સીનની સ્થિતિ પ્રમાણે કોમેડી કરવી પડે છે, જે અઘરી હોય છે. હું વિવિધ પ્રકારના જોનરની ફિલ્મો કરવા ઈચ્છું છું. અત્યાર સુધી મારી ફિલ્મોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને હું કરિયરમાં હજુ ઘણી મોટી ફિલ્મો કરવા માગુ છું.