યુરોપિયન યુનિયન (EU)એ ભારતીયો માટે વધુ સરળ શેન્ઝેન વિઝા નિયમ સ્વીકાર્યા હોવાથી તેમને હવે પાંચ વર્ષ સુધીના મલ્ટીપલ એન્ટ્રી વિઝા મળી શકશે. અમેરિકા 10 વર્ષના વિઝિટર વિઝા આપે છે તેનાથી વિપરીત, યુરોપમાં ભારતીય પ્રવાસીઓ માટે ટૂંકાગાળાના શેન્ઝેન વિઝા મુશ્કેલીરૂપ હતા, તેમાં અનેક પ્રકારની અરજીઓ કરવી પડતી હતી અને મોટાભાગના વારંવાર પ્રવાસે જતા ભારતીયોને વિવિધ ડોક્યુમેન્ટસની કંટાળાજનક કાર્યવાહી કરવી પડતી હતી. યુકે પણ મોંઘી ફી લઇને લાંબાગાળાના વિઝિટર વિઝા આપે છે.
યુરોપિયન યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત માટે નવી અપનાવવામાં આવેલી વિઝા ‘કાસ્કેડ’ પ્રક્રિયા મુજબ, અગાઉના ત્રણ વર્ષમાં બે વિઝા મેળવીને અને તેનો કાયદેસર ઉપયોગ કર્યો હોય તેવા ભારતીય નાગરિકોને હવે લાંબાગાળાના મલ્ટિ-એન્ટ્રી શેન્ઝેન વિઝા મળી શકે છે જે બે વર્ષ માટે માન્ય રહેશે. એ પછી પાસપોર્ટની મુદત પુરી થવામાં પુરતો સમય બાકી હોય તો તે વિઝા પાંચ વર્ષ સુધી લંબાવી શકાશે. આવા લાંબાગાળાના વિઝાધારકો વિઝા ફ્રી નાગરિકોની જેમ પ્રવાસના અધિકારોનો આનંદ માણી શકશે.”
યુરોપિયન કમિશને 18 એપ્રિલે ભારતીય નાગરિકોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપવા અંગેના ચોક્કસ નિયમો સ્વીકાર્યા પછી આ ફેરફાર કરાયો છે, જે અત્યારે અમલમાં રહેલા વિઝાના નિયમો કરતાં વધુ અનુકૂળ છે.
આ નિર્ણય ઇયુ-ઇન્ડિયા કોમન એજન્ડા ઓન માઇગ્રેશન અને મોબિલિટી અંતર્ગત ગાઢ સંબંધોના સંદર્ભમાં લેવાયો છે, જે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે માઇગ્રેશન નીતિ મુદ્દે વ્યાપક સહકાર ઇચ્છે છે, જેમાં EU માટે ભારત મહત્ત્વનું ભાગીદાર છે અને લોકો વચ્ચેના સંપર્કોની અનુકૂળતા મુખ્ય પાસું છે.
શેન્ઝેન વિઝાધારકને શેન્ઝેન વિસ્તારમાં કોઈપણ 180 દિવસના સમયગાળામાં વધુમાં વધુ 90 દિવસના ટૂંકા રોકાણની મુક્ત રીતે પ્રવાસ કરવાની મંજૂરી મળે છે. વિઝામાં કોઇ હેતુ જોડાયેલો નથી, પરંતુ તેમાં કામ કરવાનો અધિકાર પણ મળતો નથી. શેન્ઝેન વિસ્તારમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રીપબ્લિક, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લેટવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડઝ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ અને સ્વીડનની સાથે આઇલેન્ડ, લીચટેનસ્ટેઇન, નોર્વે અને સ્વિત્ઝર્લેન્ડ સહિત 29 યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.