હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે હાઈડ્રોકસીકલોરોકવીનને અજમાવ્યા બાદ હવે સરકારે તેમના ઈલાજ માટે રેમડેસિવરને અજમાવવાનો નિર્ણય કર્યો છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તેને મંજુરી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ તેને કોરોનાના ગંભીર કેસોમાં ઈમરજન્સી હાલતમાં અજમાવવામાં આવશે. વાયરલ સંક્રમણની આ દવાને અમેરિકાની એક કંપનીએ બનાવી છે. તેણે કેટલાક સમય પહેલા આ દવાને ભારતમાં મંજુરી માટે અરજી કરી હતી. વેશ્વિકસ્તરે ઈન્જેકશન દ્વારા અપાતી આ દવાને અનેક દેશો કોરોના સામે અજમાવી ચૂકયા છે, તેના પરિણામો મિશ્ર મળ્યા છે.
અનેક અભ્યાસો બતાવે છે કે તે કોરોનાના સામાન્ય કેસોમાં બહેતર કામ કરે છે. ભારતે તેને ગંભીર કેસો માટે મંજુરી આપી છે. ભારતમાં આ દવાનું માર્કેટીંગ એક દેશી કંપની કરશે. તે ખૂબ જ જલદી ભારતમાં પ્રાપ્ય બનશે.ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક જૂની દવાઓને કોરોના માટે અજમાવાય છે, જેમાં ફેવિપિરાવીટ અને કેટલીક હર્બલ દવાઓ મુખ્ય છે.