ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એક્ટિવ કેસોના વધારાની સામે રિકવર થઇને ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓનો આંકડો પણ સતત અને સમાંતર રીતે વધતાં હવે એક્ટિવ દર્દીઓની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન સમગ્ર દેશમાં પાંચમાં ક્રમે આવ્યું છે. એક સમયે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે હતું હાલ ગુજરાત દેશના કુલ 1.88 લાખ દર્દીઓની સામે 6,318 દર્દીઓ ધરાવે છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હાલ ગુજરાતનો રીકવરી રેટ 72.71 ટકા છે. ગુરુવારે ગુજરાતમાં 577 નવા કેસ નોંધાતા હવે કુલ કોરોના દર્દીઓનો આંકડો 29,578 પર પહોંચ્યો છે, તેની સામે 410 દર્દીઓ સાજા થતાં કુલ રીકવર થયેલાં દર્દીઓનો આંક 21,506 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં દસ લાખની વસ્તીએ 436 વ્યક્તિ કોરોના સંક્રમિત બની ચુકી છે.તે સાથે ગુજરાતમાં 24 કલાકમાં 18ના કોરોનાના સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુ થયાં છે.
તે પૈકી અમદાવાદમાં 11, સૂરતમાં 3 જ્યારે ગાંધીનગર જિલ્લામાં 2 તથા અમદાવાદ ગ્રામ્ય -સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતમાં કુલ 1,754 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. હાલ ગુજરાતમાં મૃત્યુદર ઘટીને 5.93 ટકા થયો છે. હજુ 66 દર્દીઓ એવાં છે કે જેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે. ગુજરાતમાં 3.45 લાખ સેમ્પલ ટેસ્ટ થયાં છે 2.29 લાખ લોકો ક્વોરન્ટાઇન છે.