અમેરિકાની બાયોટેકનોલોજી કંપની નોવાવેક્સે સોમવારે જણાવ્યું હતું કે તેની કોરોના વેક્સિન 90 ટકાથી વધુ અસરકારક છે. આ વેક્સીન અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. કંપનીએ અમેરિકામાં મોટા પાયે ટ્રાયલ કર્યા બાદ આ દાવો કર્યો હતો.
કંપની નોવાવેક્સે ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું હતું. કંપનીએ કહ્યું છે કે તેમની વેક્સિન લગભગ 90 ટકા અસરકારક છે અને શરુઆતના આંકડાઓ પ્રમાણે તે સુરક્ષિત પણ છે. આ આંકડાઓ એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે દુનિયામાં ત્યારે કોરોના વેક્સિનની માંગ સતત વધી રહી છે અને તેને પહોંચી વળવા માટે વિવિધ કંપનીઓ રાત દિવસ કામ કરી રહી છે.
કંપનીએ જણાવ્યું હતું કે આ વેક્સિનને સ્ટોર અને ટ્રાન્સપોર્ટ કરવાનું પણ સરળ છે. કંપની સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો પાસે વેક્સિન માટેની મંજૂરી લેવાની યોજના ધરાવે છે. કંપની ત્યાં સુધીમાં એક મહિનામાં 10 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવામાં સક્ષમ પણ થઇ જશે.