નોટિંગહામ સિટી સેન્ટરમાં ત્રણ લોકોની છરા મારી હત્યા કરવાના બનાવ બાદ અન્ય બનાવમાં વેન ડ્રાઇવરે મિલ્ટન સ્ટ્રીટ વિસ્તારમાં ત્રણ લોકો પર વેન ચડાવી દેવાનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર અપાઇ રહી છે. મંગળવારે બપોરે સશસ્ત્ર પોલીસ ઇલ્કેસ્ટન રોડ પર એક મિલકત પર દરોડો પાડતી જોવા મળી હતી. હત્યાની શંકાના આધારે 31 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ ઘટનાઓ સાથે કોઈ આતંકવાદી લિંક જોડાયેલી છે કે કેમ તેની તપાસ કરી રહી છે. વડા પ્રધાન ઋષિ સુનાકે જણાવ્યું હતું કે તેઓ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.
પોલીસને મંગળવારે મળસ્કે 4:00 કલાકે શહેરના ઇલ્કેસ્ટન રોડ પરથી એક યુવાન-યુવતીની અને સવારે 5-10 કલાકે શહેરના મગદલા રોડ પરથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી.
સુનકે ટ્વિટ કરી જણાવ્યું હતું કે “હું આજે સવારે નોટિંગહામની આઘાતજનક ઘટના માટે પોલીસ અને ઇમરજન્સી સેવાઓનો સતત પ્રતિભાવ આપવા બદલ આભાર માનું છું. મને રજેરજની માહિતી આપવામાં આવે છે.”
યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને પણ ટ્વિટર પર પોતાનો આઘાત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘’હું નોટિંગહામશાયર પોલીસના ચીફ કોન્સ્ટેબલના સંપર્કમાં છું. મને આઘાત લાગવા સાથે દુખ થયું છે. મારા વિચારો આ ઘટનાથી પ્રભાવિત લોકો સાથે છે.”
નોટિંગહામશાયરના ચીફ કોન્સ્ટેબલ કેટ મેનેલે કહ્યું હતું કે “આ એક ભયાનક અને દુ:ખદ ઘટના છે. અમે માનીએ છીએ કે આ ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને તપાસકર્તાઓની ટીમ ખરેખર શું થયું છે તે સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. અમે જાહેર જનતાને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. તપાસ માટે શહેરના સંખ્યાબંધ રસ્તાઓ બ્લોક કરાયા છે. પોલીસે હુમલાની માહિતી આપવા સૌને અપીલ કરી છે.’’
ઘટનાસ્થળેથી કેટલાક લોકોએ હુડી પહેરેલા એક યુવાનને છરી સાથે જોયો હતો જેનો ઉપયોગ મારવા માટે કરાયો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા કેટલાક ફૂટેજમાં સફેદ વાનની બાજુમાં જમીન પર એક શંકાસ્પદ વ્યક્તિને પડેલો બતાવાય છે જેની અધિકારીઓએ ધરપકડ કરી હતી.