યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે જારી કરેલી નોટોરિયસ માર્કેટની યાદીમાં ભારતના ચાર માર્કેટનો સમાવેશ થયો છે. ભારતની અગ્રણી ઇ-કોમર્સ કંપની સ્નેપડીલનો પણ તેમાં સમાવેશ થયો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે બનાવટી પ્રોડક્ટ્સ અને પાઇરેટેડ પ્રોડક્ટ્સ માટેના નોટોરિયસ માર્કેટની 2020માં સમીક્ષા કર્યા બાદ આ યાદી જારી કરી હતી.
આ યાદીમાં સામેલ થયેલા ચાર ઇન્ડિયન માર્કેટમાં મુંબઈના હીરા પન્ના, કોલકતાના કિડરપોર તથા દિલ્હીના પાલિકા બજાર અને ટેન્ક રોડનો સમાવેશ થાય છે. નોટોરિયસ માર્કેટની ગયા વર્ષની યાદીમાં એઝવાલના મિલેનિયમ સેન્ટરનો સમાવેશ થયો હતો, પરંતુ હવે તેની જગ્યાએ પાલિકા બજારનો સમાવેશ થયો છે.
ઓફિસ ઓફ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના જણાવ્યા અનુસાર મુંબઈમાં આવેલું હીરાા પન્ના ઇન્ડોર માર્કેટ કથિત હાઇ ક્વોલિટી નકલી વોચ, ફૂટવેર, એપેરલ, એસેસરીઝ અને કોસ્મેટિક્સ ઓફર કરે છે. બનાવટી કોસ્મેટિક્સથી આરોગ્ય અને સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે.
કોલકતામાં ફેન્સી માર્કેટ તરીકે ઓળખાતા કિડરપોર બનાવટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એપેરલ, કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તેમાં પાઇરેટેડ સોફ્ટવેર અને મીડિયા પણ વેચાય છે. ઘણીવાર આવી પ્રોડક્ટ્સ હોલસેલમાં પણ વેચાય છે.
દિલ્હીમાં આવેલું અંડરગ્રાઉન્ડ પાલિકા બજાર બનાવટી પ્રોડક્ટ્સના વેપાર માટે જાણીતું છે. ખાસ કરીને સસ્તાં ભાવે ટ્રેન્ડી વસ્તુ ઇચ્છતાં વિદ્યાર્થીઓ અને યુવાનો તેમાંથી ખરીદી કરતાં હોવાનું માનવામાં આવે છે. પ્રવાસીઓ માટે પણ તે લોકપ્રિય બજાર છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ટેન્ક રોડ માર્કેટ બનાવટી એપેરલ અને ફૂટવેરનું વેચાણ કરે છે. બનાવટી હોલસેલ ગૂડ્સ અહીંથી બીજા માર્કેટમાં સપ્લાય થાય છે.