સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા આવ્યા પછી કોંગ્રેસના રાહુલ ગાંધીને સોમવારે નવી દિલ્હી ખાતેનો તેમનો તુગલક લેન બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીને 12 તુઘલક લેન બંગલો ખાલી કરવા માટે 23 એપ્રિલ સુધીનો સમય અપાયો છે. તેઓ 2004થી આ બંગલામાં રહેતા હતા.
બદનક્ષીના કેસમાં સુરતની અદાલતે તેમને બે વર્ષની જેલની સજા બાદ સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યાના બે દિવસ બાદ લોકસભા હાઉસિંગ પેનલે બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી.રાહુલ ગાંધીની ટીમે જણાવ્યું હતું કે તેમને નોટિસ મળી નથી. કોંગ્રેસના સાંસદ અને તેના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. નસીર હુસૈને જણાવ્યું હતું કે ભાજપ કિન્નાખોરી રાખે તેવી તેમની પાસે આવી અપેક્ષા હતા. તેઓ વિરોધી અવાજને દબાવી દેવા તમામ પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે.
રાહુલ ગાધી કેરળના વાયનાડથી સાંસદ હતા. સુરતની કોર્ટે મોદી સરનેમ અંગેના ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટના આ ચુકાદા બાદ લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પણ રદ કરી દીધું હતું. જન પ્રતિનિધિ અધિનિયમ 1951 અંતર્ગત સ્પીકરે આ કાર્યવાહી કરી હતી. 23 માર્ચ,2023એ સુરતની કોર્ટનો ચુકાદો આવ્યો હતો અને એ જ દિવસે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થઈ ગયું હતું. જોકે, તે અંગે જાણકારી 24 માર્ચ, 2023એ સામે આવી હતી.