લગ્નના ખોટા બહાના હેઠળ મહિલા પર બળાત્કારના આરોપી પરિણીત પુરુષને જામીન આપતા દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે સામાજિક ધોરણો મુજબ શારીરિક સંબંધો આદર્શ રીતે લગ્નની મર્યાદામાં હોવા જોઈએ, પરંતુ વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં લીધા વગર જો બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી જાતિય સંબંધો બાંધે તો તેમાં કંઇ ખોટું નથી.

કોર્ટે જણાવ્યું હતું કે આરોપીની વૈવાહિક સ્થિતિ વિશે જાણ્યા પછી પણ મહિલા ફરિયાદીએ આ સંબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો, જે પ્રથમ દૃષ્ટિએ તેની સંમતિનો સંકેત આપે છે. આ ઉપરાંત આરોપીએ બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોવાની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા દર્શાવવામાં આવ્યા નથી. તે સ્પષ્ટ છે કે ફરિયાદી ફરિયાદ દાખલ કર્યા પહેલા ઘણા સમયથી અરજદારને મળતી હતી. અરજદાર પરિણીત છે, તે હકીકત જાણ્યા પછી પણ મહિલા તેમના સંબંધો ચાલુ રાખવા માગતી હતી.

29 એપ્રિલના રોજ આપેલા જસ્ટિસ અમિત મહાજને આદેશમાં જણાવ્યું હતું કે સામાજિક ધોરણો સૂચવે છે કે જાતીય સંબંધો આદર્શ રીતે લગ્નની મર્યાદામાં જ હોવા જોઈએ, જો બે પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી તેમની વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જાતીય પ્રવૃત્તિમાં જોડાય તો કોઈ ખોટું કાર્ય કહી શકાય નહીં.

આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ વખતના કથિત જાતિય સંબંધોના લગભગ પંદર મહિના પછી FIR નોંધવામાં આવી હતી અને ફરિયાદીના પગલાં પણ કોઈ બળજબરીનો સંકેત આપતા નથી. તે દેખીતું છે કે ફરિયાદીએ જે બન્યું હતું તે બાબતો પ્રત્યે સભાન નિર્ણય લીધો હતો. આ તબક્કે તેની ક્રિયાઓ મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ નિષ્ક્રિય સ્વીકૃતિ સૂચવતી નથી, પરંતુ તે કોઈ પણ ગેરસમજ વગરની મૌન સંમતિ સૂચવે છે.

કોર્ટે નોંધ્યું હતું કે જાતીય ગેરવર્તણૂક અને બળજબરીના ખોટા આરોપો માત્ર આરોપીની પ્રતિષ્ઠાને કલંકિત કરતા નથી, પરંતુ સાચા કેસોની વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડે છે.

LEAVE A REPLY