લાંબા બ્રેક પછી રાની મુખરજીની ફિલ્મ રિલીઝ થઈ છે. મિસીસ ચેટરજી વર્સીસ નોર્વેને ઈમોશનલ ડ્રામા જોનરની ફિલ્મ ગણવામાં આવે છે. રાની મુખરજીની એક્ટિંગ માટે વખણાયેલી આ ફિલ્મથી ભારત ખાતેના નોર્વેના એમ્બેસેડર હેન્સ જેકબ ફ્રીડેન્લુન્ડ નારાજ છે.
તેઓ કહે છે કે, પોતાના દેશ અંગે ફિલ્મમાં અસત્ય અને ગેરમાર્ગે દોરનારું નિરુપણ થયું છે. તેમણે નિર્માતા સામે નારાજગી વ્યક્ત કરી છે. એક આર્ટિકલમાં તેમણે લખ્યું હતું કે, નોર્વેનો સત્તાવાર અભિગમ રજૂ કરવો અને તથ્યદોષ દૂર કરવા મારા માટે મહત્ત્વનું છે. ફિલ્મમાં સાંસ્કૃતિક ભિન્નતાને જ એક માત્ર કારણ ગણાવાઈ છે, જે ખોટું છે. એક જ પલંગ પર સૂવાના કારણે અથવા હાથેથી ખવડાવવાના કારણે બાળકને દૂર કરવાની આખી વાત ખોટી છે. નોર્વેમાં પણ બાળકોને હાથથી જમાડવામાં આવે છે અને સુઇ જવાના સમયે તેઓ પણ વાર્તા સાંભળે છે. ફિલ્મમાં નોર્વેનું આવું ચિત્રણ જોઈને ભારતમાં અમારા મિત્રો શું વિચારશે તેની ચિંતા થાય છે.