નવા વર્ષની શરૂઆત સાથે ઉત્તરપશ્ચિમ ભારતના મોટા વિસ્તારો ફરી શીત લહેરોને ચપેટમાં આવ્યા છે. આગામી બે દિવસમાં હિમાલયના ઠંડા પવનોને કારણે ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સવારમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.મંગળવાર સુધી રાજસ્થાનના ઉત્તરીય ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિની સંભાવના છે.
રવિવારે નવા વર્ષની શરૂઆત સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનનો પારો ગગડીને 5.5 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 2-6 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહ્યું હતું. રાજધાની દિલ્હીમાં શુક્રવાર અને શનિવારે લઘુત્તમ તાપમાન 10.7 અને 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં અને બિહારના કેટલાંક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો. પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરામના કેટલાંક વિસ્તારમાં પણ ધુમ્મસ છવાયો હતો.
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો શીત લહેર જોવા મળી હતી. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. શનિવારની રાત્રે ફતેહપુરમાં 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સૌથી નીચું હતું. ચુરુમાં 1.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હનુમાનગઢ અને ચિત્તોડગઢમાં 3.3 ડિગ્રી, સીકરમાં 3.5 ડિગ્રી, ભીલવાડામાં 4 ડિગ્રી, કરૌલીમાં 4.2 ડિગ્રી, અલવર અને પિલાનીમાં 4.8 ડિગ્રી, ફાલોદીમાં 6.2 અને અંતા 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અન્ય સ્થળોએ લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી અને 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. રાજ્યના અનેક સ્થળોને છીછરાથી મધ્યમ ધુમ્મસે ઘેરી લીધું હતું. કેટલાક સ્થળોએ ઠંડીથી તીવ્ર શીત લહેર હોવાના અહેવાલ હતા.
હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં આગામી બે દિવસમાં ઠંડીનો પ્રકોપ રહી શકે છે. ઉત્તર ભારતના મેદાની પ્રદેશોની સપાટીની નજીક હળવા પવનો અને ઊંચા ભેજને કારણે વર્ષના આ સમયે ધુમ્મસ સામાન્ય બાબત છે. ઠંડા વાતારણને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે તથા હવામાં ધુમ્મસની સ્થિતિ ઊભી થાય છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનો પર હિમાલયના ઉત્તર-પશ્ચિમ પવનોને કારણે,આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ મંગળવાર સુધી રાજસ્થાનના ઉત્તરીય ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિની સંભાવના છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગયા અઠવાડિયે કોલ્ડવેવની સ્થિતિમાંથી થોડી રાહત મળી હતી. આ વર્ષે શિયાળમાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વધુ ઠંડી પડી નથી, પરંતુ ડિસેમ્બરના પછીના તબક્કામાં ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતના પ્રદેશોએ શીત લહેર અને ગાઢ ધુમ્મસની સ્થિતિનો અનુભવ કર્યો હતો. હવામાન ઓફિસના જણાવ્યા મુજબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા વધારાની ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલીઓનો અભાવ હોવાથી ઉત્તર ભારતમાં ઠંડી પડી ન હતી. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મેદાની વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતી હોય છે.
આ ડિસેમ્બરમાં, સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા હતા, જેમાંથી છ નબળા હતા અને માત્ર એક (28-30 ડિસેમ્બર ) મજબૂત હતી. તાજેતરની વધારાની ઉષ્ણકટિબંધીય હવામાન સિસ્ટમથી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી ભાગોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા અને વરસાદ થયો હતો.
હવામાન કચેરીએ જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતાં 86 ટકા ઓછો વરસાદ રહેવાની આગાહી કરી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ માટે સામાન્ય રીતે ઉત્તરપશ્ચિમ ભારતમાં 84.3 મીમી વરસાદ થતો હોય છે.
IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. શનિવારે જણાવ્યું હતું કે “જો ઓછા વરસાદ થશે તો તેનો અર્થ એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટી ઓછી રહી શકે છે. ઓછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર-પશ્ચિમીય પવનો ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં ફૂંકાતા રહેશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચું રહી શકે છે. પરંતુ હરિયાણા અને પંજાબમાં તાપમાન સામાન્ય રહેશે અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર જેવા ઉચ્ચ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે.
માઇનસ 8.2 ડિગ્રી સાથે ગુલમર્ગમાં સૌથી ઠંડી રાત્રી
જમ્મુ અને કાશ્મીરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે નવા વર્ષનું આગમન થયું હતું. પ્રવાસન માટેના પ્રખ્યાત ગુલમર્ગ અને પહલગામના સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત્રિનો અનુભવ થયો હતો. પહેલગામમાં માઇનસ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સિઝનનું સૌથી નીચું છે. બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 8.2 ટકા ડિગ્રી નોંધાયો હતો. શ્રીગરમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સરહદી જિલ્લા કુપવાડામાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જ્યારે દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર હાલમાં 40 દિવસના સૌથી તીવ્ર ઠંડીના સમયગાળા એટલે કે ચિલ્લા-એ-કલાનની પકડમાં છે. આ સમયગાળામાં સૌથી વધુ હિમવર્ષાની શક્યતા રહે છે.