ઉત્તર કોરિયા અને ચીન સામે વધુ આક્રમક પગલાં ભરવા માટે જાપાને નવી સુરક્ષા વ્યૂહરચના અપનાવી છે ત્યારે ઉત્તર કોરિયાએ રવિવાર (19 ડિસેમ્બર)એ જાપાન પર પ્રહાર કરી શકાય તેવી ક્ષમતા સાથેની બે પરમાણુ બેલિસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું.
દક્ષિણ કોરિયા અને જાપાનની સરકારોના જણાવ્યા અનુસાર બે મિસાઇલોએ ઉત્તર કોરિયાના ટોંગચાંગરી વિસ્તારમાંથી લગભગ 550 કિલોમીટરનું અંતર કાપીને કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના દરિયામાં પડી હતી. દક્ષિણ કોરિયાની આર્મીએ જણાવ્યું હતું કે બંને મિસાઇલો એક વળાંક રાખીને છોડાઈ હતી. આનો અર્થ એવો થાય છે કે જો સ્ટાન્ડર્ડ એંગલ પરથી મિસાઇલો છોડાઈ હોત તે તે વધુ દૂર સુધી જઈ શકી હોત. ઉત્તર કોરિયા સામાન્ય રીતે પડોશી દેશોને ટાળવા માટે મધ્યમ અને લાંબા અંતરની મિસાઇલોનું સ્ટાન્ડર્ડ એંગલથી પરીક્ષણ કરતું નથી. બીજી તરફ એક ઇમર્જન્સી બેઠકમાં દક્ષિણ કોરિયાના ટોચના સુરક્ષા અધિકારીઓએ ઉત્તર કોરિયાની સતત ઉશ્કેરણીને નિંદા કરી હતી.