દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિકના ઉત્તર ભારતના ઘણા વિસ્તારો અત્યારે ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવાર, લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે બે વર્ષમાં જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન હતું. આ સાથે દિલ્હી ઘણા હિલ સ્ટેશન્સ કરતાં પણ વધુ ઠંડું બન્યું હતું.
હિમાલય પરથી આવતા પવનોએ દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા મેદાની વિસ્તારોને શીત લહેરની ઝપટમાં લીધા હતા.ગાત્રો થીજવતી ઠંડીને કારણે મોટા ભાગના લોકોએ ઘરની અંદર રહેવાનું પસંદ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. શ્રીનગરમાં બુધવારે -૬.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે સીઝનની સૌથી ઠંડી રાત રહી હતી. અગાઉની રાતે તાપમાન ૫.૨ ડિગ્રી હતું.રાજસ્થાનના હવામાન વિભાગે પણ ‘ઓરેન્જ એલર્ટ’ આપી છે. અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરૌલી સહિતના જિલ્લામાં કોલ્ડ વેવ ચાલુ રહેવાનો અંદાજ છે. રણવિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ચુરુ અને સિકરમાં તાપમાન શૂન્યની નીચે ઉતર્યું છે. બુધવારની રાતે ફતેહપુર (સિકર)માં લઘુતમ તાપમાન -૧.૮ ડિગ્રી સેલ્સિયસ અને ચુરુમાં -૧.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં કોલ્ડ વેવની સ્થિતિ બે દિવસ ચાલુ રહેશે.
હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં ગુરુવાર અને શુક્રવાર માટે ‘ઓરેન્જ એલર્ટ’ આપી હતૂ. દિલ્હીનું લઘુતમ તાપમાન ડેલહાઉઝી (૪.૯ ડિગ્રી), ધર્મશાલા (૫.૨ ડિગ્રી), કાંગડા (૩.૨ ડિગ્રી), શિમલા (૩.૭ ડિગ્રી), દહેરાદુન (૪.૬ ડિગ્રી), મસુરી (૪.૪ ડિગ્રી), નૈનિતાલ (૬.૨ ડિગ્રી) જેવા પ્રખ્યાત હિલ સ્ટેશન કરતાં પણ નીચું રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. આગામી કેટલાક સપ્તાહ સુધી આવી સ્થિતિ ચાલુ રહેવાનો અંદાજ છે. ધુમ્મસને કારણે રેલવે સેવાને અસર થઈ હતી. લગભગ ૧૨ ટ્રેનમાં દોઢ કલાકથી છ કલાક સુધીનો વિલંબ થયો હતો એવી માહિતી રેલવેના પ્રવક્તાએ આપી હતી. દિલ્હી એરપોર્ટે પણ ધુમ્મસની એલર્ટ જારી કરી હતી.