કોવિડ-19ના કેસોમાં ઘટાડા પછી ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયર માટે કોવિડ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. ચેપનો દર ઘટાડવા માટેના સ્થાનિક પ્રયત્નોને પગલે સ્થાનિક હોટસ્પોટ્સ પરના પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી. તા. 25 જુલાઇથી રાષ્ટ્રીય સ્તરે પૂલ, જીમ અને રમતગમતની સુવિધાઓ દેશભરમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેનો લાભ ડાર્વેન, બ્રેડફર્ડ અને લેસ્ટર સાથેના બ્લેકબર્નને પણ મળશે. તા. 15 ઑગસ્ટથી વધારાના વ્યવસાયો અને લેઝર પ્રવૃત્તિઓ ખોલવાની છુટ ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયરના બહુમતી વિસ્તારો પર લાગુ થશે. નેવાર્ક અને શેરવુડ, સ્લાવ અને વેકફિલ્ડને ‘ચિંતાજનક ક્ષેત્રો’માંથી દૂર કરવામાં આવશે.
સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, હેલ્થ સેક્રેટરી, એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ, જોઇન્ટ બાયોસિક્યુરીટી સેન્ટર અને ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી, ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં સ્થાનિક પ્રતિબંધોમાં આ અઠવાડિયાના ફેરફારો પર સંમત થયા છે.
વોટર પાર્કસ, ઇન્ડોર ફિટનેસ અને ડાન્સ સ્ટુડિયો, ઇન્ડોર જીમ અને સ્પોર્ટસ કોર્ટ અને સુવિધાઓ સહિતના ઇન્ડોર સ્વિમિંગ પૂલ, મંગળવાર તા. 8 મી સપ્ટેમ્બરથી ફરીથી ખોલી શકાશે. જેનો લાભ લેસ્ટર, બ્લેકબર્નના બાકીના ભાગો અને ડાર્વેન અને બ્રેડફર્ડના બાકીના ભાગોને મળશે.
ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયરના કેટલાક ભાગોમાં ભેગા થવા પરના પ્રતિબંધોને દૂર કરવા માટે ચેપનો દર હજી પણ ઘણો વધારે છે.
મેટ હેનકોકે કહ્યું હતું કે “મને ખૂબ આનંદ થાય છે કે અમે સ્થાનિક કાઉન્સિલો સાથે કામ કરીને, આ ફેરફાર કરવામાં સક્ષમ થયા છીએ. કારણ કે સ્થાનિક લોકડાઉન વાયરસને નિયંત્રણમાં રાખવા માટે કામ કરી રહ્યુ છે. અમે અસરકારક ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમની સાથે કામ કરતા સ્થાનિક સમુદાયો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા વિશાળ પ્રયત્નોને કારણે ચેપના દરમાં સુધારો જોઈ રહ્યા છીએ.’’
લેસ્ટર રેગ્યુલેશન્સ, નોર્થ ઑફ ઇંગ્લેન્ડ રેગ્યુલેશન્સ અને બ્લેકબર્ન, ડાર્વેન અને બ્રેડફર્ડ રેગ્યુલેશન્સની સમીક્ષા 11 સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવશે.