કૌભાંડી સુકેશ ચંદ્રશેખરે કરેલા કરોડો રૂપિયાના મની લોન્ડરીંગના કેસ સંબંધે બોલીવુડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહીએ ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની ઓફિસમાં જઈ સાક્ષી તરીકે નિવેદન નોંધાવ્યું હતું. ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દર સિંહના પરિવાર સાથે રૂ.200 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં દિલ્હી પોલીસે અગાઉ ચંદ્રશેખર અને લીના મારિયાની ધરપકડ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ખાતાએ સુકેશ ચંદ્રશેખર અને તેની અભિનેત્રી લીના મારિયા પોલ વિરુધ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બંનેની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ચંદ્રશેખરની લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની આર્થિક ગેરરીતિ, ગુનાહિત ષડયંત્ર અને ખંડણી પડાવવા સહિતના ગુનામાં કથિત સંડોવણીને મામલે તપાસ ચાલી રહી છે.
નોરા ફતેહીએ ઈડીની દિલ્હીની ઓફિસમાં નિવેદન નોંધાવ્યું એ પહેલાં જેકલિન ફર્નાન્ડિસે પણ જવાબ નોંધાવ્યો હતો. આ બંને અભિનેત્રી ઈડીને તપાસમાં મદદ કરી રહી છે.સુકેશ ચંદ્રશેખરે એકટરો અને મોટી માલેતુજાર હસ્તીઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ગયા ઓગસ્ટમાં ઈડીએ રેડ પાડીને તેનો ચેન્નઈનો આલીશાન બંગલો જપ્ત કર્યો હતો અને ૮૨ લાખની રોકડ તેમજ ડઝનબંધ લકઝરી કાર હસ્તગત કરી હતી.