બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન માટે કામ જાસૂસીનું કામ કરનાર ભારતીય મૂળનાં મહિલા નૂર ઇનાયત ખાનને લંડનમાં સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટનમાં તેમને બ્લ્યુ પ્લાકથી સન્માનિત કરવામાં આવ્યા છે. નૂર ઇનાયત ખાને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરના કબજા હેઠળના સ્થળ પર વેશ બદલીને પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી તેઓ ગુપ્ત માહિતી બ્રિટનમાં મોકલતા હતા. નૂર ઇનાયત ખાનનો વંશ 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલ છે. તેમનો જન્મ રશિયામાં થયો હતો. તેમના પિતા ભારતીય અને માતા અમેરિકન હતા. લંડનમાં મેમોરિયલ પ્લાકથી સન્માનિત તેઓ ભારતીય મૂળની પ્રથમ મહિલા છે.
બ્રિટનનું બ્લ્યૂ પ્લાક સન્માન મેળવવું એ પ્રતિષ્ઠાની બાબત છે. શુક્રવારે સેન્ટ્રલ લંડનમાં તેમના અગાઉના પારિવારિક ઘરમાં આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું. અગાઉ આ સન્માન રાજા રામમોહન રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને બી.આર. આંબેડકરને આપવામાં આવ્યું હતું. બ્રિટનની સંસ્થા, ઇંગ્લિશ હેરિટેજ બ્લ્યૂ પ્લાક સ્કીમ અંતર્ગત જાણીતા લોકો અને સંગઠનોને સન્માનિત કરે છે, જેઓ લંડનમાં કોઇ ખાસ બિલ્ડિંગ સાથે જોડાયેલા હોય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નૂર ઇનાયત ખાન તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ દ્વારા રચિત બ્રિટિશ સીક્રેટ સર્વિસમાં કાર્યરત હતા.
1940માં બ્રિટને નૂરને નાઝીયોના કબ્જામાં રહેલા ફ્રાંસમાં મોકલ્યા હતા અને તેઓ રેડિયો સંચાલન સારી રીતે કરી શકતા હતા. તેઓ પેરિસમાં હતા અને ત્યાં દરેક જગ્યાએ નાઝી સૈનિકો હાજર હતા. આ જોખમી વાતાવરણમાં કામ કરીને તેમણે હિટલરના સૈન્યની માહિતી લંડન મોકલી હતી. તેઓ ફ્રેંચ ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હોવાથી તેમના શંકા જતી નહોતી. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જઇને પોતાનો વેશ બદલી લેતા હતા. તેઓ લગભગ 125 દિવસ સુધી નાઝીઓથી બચતા રહ્યા અને માહિતી મોકલતા હતા.
પોતાની ગુપ્ત માહિતી બહાર જતી હોવાની જાણ થતાં તેમણે સતર્કતા વધારી દીધી હતી. અંતે તેઓ પકડાઇ ગયા અને અન્ય ત્રણ મહિલા એજન્ટ્સ સાથે તેમને 11 સપ્ટેમ્બર, 1944ના રોજ નાઝીઓના કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. અહીં તેમના પર અનેક અત્યાચાર કરવામાં આવ્યા હોવા છતાં તેમણે કોઇ ગુપ્ત માહિતી દુશ્મનોને જણાવી નહોતી. ક્રુર નાઝીઓએ તેમના માથામાં ગોળી મારી હતી. તેમની બહાદુરી બદલ બ્રિટનના બીજા સૌથી મોટા એવોર્ડ જ્યોર્જ ક્રોસથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.