(ANI Photo)

જમ્મુ અને કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે કલમ 370ની નાબૂદી પર તેની મંજૂરીની મહોર લગાવી છે અને બ્રહ્માંડની કોઈ તાકાત તેને પાછી લાવી શકશે નહીં.

આ મુદ્દાને રાજકીય રંગ આપવા સામે વિપક્ષને ચેતવણી આપતા વડાપ્રધાન જણાવ્યું હતું કે  જમ્મુ અને કાશ્મીરમાં અને લદ્દાખમાં રહેતાં આપણા ભાઈઓ અને બહેનો માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર ઘોષણા છે. આ માત્ર કાનૂની દસ્તાવેજ જ નથી, પરંતુ સશક્ત અને એક જૂથ ભારતનાં નિર્માણનો આપણો સામુહિક સંકલ્પ દર્શાવે છે. ન્યાયાલયે પોતાના ગહન વિવેક દ્વારા, એકતા અને તેના સારને મજબૂત કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના તેમજ લદ્દાખના લોકોને આશ્વાસન આપતા તેમણે જણાવ્યું કે, તમારા સ્વપ્નો પૂરા કરવાની સરકારની પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે તે નિશ્ચિત કરવા માટે દ્રઢ સંકલ્પ છીએ કે પ્રગતિનાં ફળ માત્ર તમારી સુધી જ ન પહોંચે પરંતુ સમાજના સૌથી નિર્બળ અને હાંસિયામાં રહેલા લોકો સુધી પહોંચે કે જેઓ કલમ ૩૭૦ને લીધે પીડિત હતા. આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ વડાપ્રધાને આવકાર્યો હતો.

મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો.

એક ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે સંસદની સુરક્ષામાં ચૂકના મામલાની તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે અને કડક પગલાં લઈ રહી છે. તેની પાછળના લોકો અને તેમના ઇરાદાના મૂળ સુધી જવાનું પણ એટલું જ જરૂરી છે. સામૂહિક ભાવના સાથે ઉકેલ શોધવાના પ્રયાસો પણ કરવા જોઈએ. આવા મુદ્દા પર ઝઘડા કરવાનું ટાળવું જોઈએ. સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને ઓછી આંકવી જોઈએ નહીં. સ્પીકર પણ તમામ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. આ મામલો સંસદમાં વિપક્ષો હોબાળો મચાવી રહ્યાં છે ત્યારે પીએમના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે.

LEAVE A REPLY