ગયા વર્ષે 31 મેના રોજ સાંજે 7.30 વાગ્યે કિંગસ્ટેન્ડિંગ, બર્મિંગહામની વ્યસ્ત શેરીમાં રહેંસી નાંખવામાં આવેલા 14 વર્ષના અશ્વેત છોકરા ડી-જ્હોન રીડ નામના કિશોરની છરી વડે છાતી પર ઇજા કરી હત્યા કરાયા બાદ 15 વર્ષના આરોપીને જ્યુરી દ્વારા હત્યાના આરોપમાંથી નિર્દોષ પણ માનવવધ માટે દોષિત ઠરાવાયા બાદ ડી-જ્હોનના પિતા સીમોર રીડે મોટાભાગની શ્વેત જ્યુરીઝને સમાપ્ત કરવા આહ્વાન કર્યું છે. હુમલાખોર યુવાનની સાથેના અન્ય ચાર લોકો દોષિત ન હોવાનું જણાયું હતું.
ડી-જ્હોન રીડનો પરિવાર માને છે કે “ન્યાય થયો નથી” અને જ્યુરીના મોટાભાગના લોકો શ્વેત હતા અને બર્મિંગહામના સમુદાયના પ્રતિનિધિ ન હતા. પરિવાર વંશીય રીતે વૈવિધ્યસભર જ્યુરીની રચના માટે જસ્ટિસ ફોર ડી-જ્હોન રીડ ઝુંબેશ શરૂ કરવાની યોજના ધરાવે છે.
પરિવારના પ્રતિનિધિ, રાઇટ રેવરન્ડ ડેસમંડ જડ્ડૂએ જણાવ્યું હતું કે “અમને જાતિના કેસોમાં વંશીય રીતે સંતુલિત જ્યુરીઝની જરૂર છે. બે વર્ષ પહેલાં જેઓ ઘૂંટણીયે પડતા હતા તે શું ફેશન સ્ટેટમેન્ટ હતું? ડી-જ્હોનના નાગરિક અધિકારોનો સંપૂર્ણપણે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ અશ્વેત લોકોને ન્યાય આપવા માટે તૈયાર નથી.’’
15 વર્ષીય આરોપી તરૂણને માનવનધ માટે દોષિત ઠેરવી સાડા છ વર્ષની અટકાયતની સજા કરાઇ હતી. હુમલાખોરોમાં જ્યોર્જ ખાન (38), માઈકલ શિલ્ડ્સ (35), એક 16 વર્ષીય અને 15 વર્ષનો કિશોર પણ સંડોવાયા હતા. તે બનાવને એક વર્ષ અગાઉ કરાયેલી ઉશ્કેરણી માટે “બદલો” લેવા હુમલો કરાયો હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ રિડનો પરિવાર એક વ્યક્તિને કરાયેલી સજાને ખૂબ જ નબળી માને છે. હત્યા પહેલાં વંશીય દુર્વ્યવહાર કરાયો હોવાના અહેવાલો પ્રસારિત થતા આ હત્યાને પગલે સ્થાનિક સમુદાયમાં તણાવ થયો હતો.