ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના કેટલાંક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં જાહેર રસ્તા અને ધાર્મિક સ્થળોની નજીકથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને બુધવાર, 24 નવેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોની રજૂઆત છે કે લોકડાઉનના મારમાંથી ઉગરી રહેલાં વેપારીઓ પર ગેરબંધારણીય રીતે અને કોઇ કાયદાકીય જોગવાઇ વગર કામગીરી કરવામાં આવી છે.
લારીઓ તમજ ફૂડવેનમાં ઇંડા નોન-વેજ વાનગીઓ બનાવવાનો વ્યવસાય કરતા અરજદારોની રજૂઆત છે કે રાજકોટના મેયરે 9 નવેમ્બર 2021ના રોજ જાહેરાત કરી હતી કે જાહેર રસ્તાઓ પરની ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં આવશે.
અરજદારોએ જણાવ્યું છે કે 2014માં લાગુ કરવામાં આવેલો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લારી-પાથરણાં દ્વારા વસ્તુઓ વેચી ગુજરાત ચલાવતા નાના વેપારીઓને રક્ષણ આપે છે. આમ છતાં બંધારણીય જોગવાઇઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો ભંગ કરી લારીઓ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
સરકાર માને છે જાહેર રસ્તા પર આ વસ્તુઓ વેચવાથી કેટલાંક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે પરંતુ સરકારે આ વેપારીઓની આર્થિક સ્થિતિ પણ જોવી જોઇએ. આ ઉપરાંત સરકાર ચોખ્ખાઇનો મુદ્દો પણ આપી રહી છે પરંતુ આ લારીઓ ગ્રાહકો આકર્ષકવા ચોખ્ખાઇનું મહત્તમ પાલન કરે છે. તેથી કોર્ટે આ મુદ્દે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને જરૂરી આદેશો કરે તે જરૂરી છે.