સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નોઇડા ખાતેના આશરે 100 મીટર ઊંચા ગેરકાયદે ટ્વીન ટાવર્સ રવિવારે બપોરે 2.30 કલાકે આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોનો ઉપયોગ કરી સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. પત્તાના મહેલની જેમ 9 સેકન્ડથી ઓછા સમય ટ્વીન ટાવર ધ્વંસ થતા જ ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. નોઇડા ઓથોરિટી સામેનો હવેનો પડકાર આશરે 55,000 ટન કાટમાળને દૂર કરવાનો છે. કાટમાળ દૂર કરતા આશરે ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
ટાવર ધ્વંસ કરવા માટે તેના પિલારના આશરે 7,000 હોલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા અને 20,000 સર્કિટ લગાવવામાં આવી હતી. વોટરફોલ ટેકનિકલની મદદથી 32 માળ અને 29 માળના ટાવર્સને ધરાશાયી કરાયા હતા. સવારે આ વિસ્તારના આશરે 7,000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આજુબાજુના બિલ્ડિંગના ગેસ અને વીજળી સપ્લાય બંધ કરાયો હતો. લોકોને ઘેર પરત જવાની છૂટ આપવામાં આવી તે પહેલા લોકોને માસ્ક પહેરવાની સૂચના અપાઈ સહતી. 450 મીટરના નો-ગો ઝોનમાં ગ્રેટ નોઇડા એક્સ્પ્રેસવેનો ટ્રાફિક 30 મિનિટ અટકાવવામાં આવ્યો હતો.
ટ્વીન ટાવરથી 8 મીટર નજીક બીજા બિલ્ડિંગ આવેલા છે, પરંતુ આ બિલ્ડિંગનો કોઇ નુકસાન થયું ન હતું. સમગ્ર એરિયાને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો હતો. ડેમોલિશન કવાયત માટે રૂ.100 કરોડની વીમા પોલીસી લેવામાં આવી હતી. તેમાં આજુબાજુના બિલ્ડિંગના સંભવિત નુકસાનને આવરી લેવામાં આવ્યું હતું. પ્રીમિયમ અને બીજો ખર્ચ સુપરટેકના માથે હતો. ગેરકાયદે ટ્વીટ ટાવરના ધરાશાયી કરવાનો ખર્ચ આશરે રૂ.20 કરોડ થયો હોવાનો અંદાજ છે.
મુંબઈ સ્થિત કંપની એડિફાઇસ એન્જિનિયરિંગને ડેમોલિશનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. 32 માળનો એપેક્સ ટાવર 103 મીટર ઊંચો હતો, જ્યારે 29 માળનો સેયાન ટાવર 97 મીટર ઊંચો હતો. આશરે 9 વર્ષ લાંબા કાનૂની જંગ બાદ ટ્વીટ ટાવર ધ્વંસ થયા હતા.
સાવચેતીના પગલાં તરીકે નજીક આવેલી એમરાલ્ડ કોર્ટ સોસાયટીના આશરે 5,000 રહેવાસીઓ રવિવારે સવારે 7 વાગે તેમના ઘર ખાલી કરાવાયા હતા. આ ઉપરાંત આશરે 3,000 વાહનો ઘટનાસ્થળેથી દૂર કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવી માટે 400 પોલીસ જવાનો તથા પીએસી અને એનડીઆરફના જવાનો તેનાત કરાયા હતા. મેડિકલ સ્ટાફ સાથે ઘટના સ્થળે છ એમ્બ્યુલન્સ તૈનાત હતી હોસ્પિટલમાં બેડ્સ પણ અનામત રખાયા હતા.